કિંમતી ઘરેણાંની ઘેરબેઠા સફાઈ કેવી રીતે કરશો
સુંદરતાને આમ તો કોઈ જ શણગારની જરૂર નથી હોતી, પરંતુ ઘરેણાં એ સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવી દે છે. તેનાથી સાધારણ રૂપરંગ પણ વધુ ચમકી ઉઠે છે. કોઈપણ સુંદર સ્ત્રી આ હકીકતનો ઈન્કાર નહી કરી શકે. આથી જ સ્ત્રીઓને સમાજજીવનની શરૂઆતથી ઘરેણા પ્રિય રહ્યાં છે.
એક એક કરીને એકઠાં કરેલા સુંદર અને આકર્ષક ઘરેણાંને પ્રસંગોપાત પહેરવાની લાલચ સ્ત્રીઓ રોકી શકતી નથી. આજકાલ તો સોનાચાંદી, હીરાપન્ના, મોતી ઉપરાંત અન્ય ધાતુઓના ઘરેણાઓનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. ઘરેણાંની વાત કરીએ, એટલે તેમની સંભાળ પર ધ્યાન આપવું જાેઈએ.
કેટલાંક ઘરેણાં એવા હોય છે, જે તડકો, હવા અને પરસેવાના સંપર્કમાં આવવાથી કાળાં અને મેલા થઈ જાય છે. આવા ઘરેણાંને સાચવવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
સારસંભાળઃ વજનમાં હલકાં અને નાજુક ઘરેણાં જરૂર પૂરતાં જ પહેરી રાખો, કેમ કે આવા ઘરેણાં વધુ પહેરી રાખવાથી તે જલદી તૂટી જાય છે. વળી આવા ઘરેણાં પહેરીને સૂઈ જવાથી પણ તે દબાઈને તૂટી જાય છે. ઘરેણાં પહેર્યા પછી તેમને કાઢીને મૂકો, ત્યારે રૂથી સાફ કરવા, જેથી તેમના પર લાગેલા ધૂળ અને પરસેવો ઉપરઉપરથી સાફ થઈ જાય.
સાફ કર્યા પછી તેમને ખુલ્લાં ન મૂકતા બોકસમાં બંધ કરીને મૂકો. ઘણી સ્ત્રીઓ ઘરેણાં પહેર્યા પછી તેમને મેકઅપ બોકસ વગેરેમાં ખુલ્લા મુકી દે છે, જે ઠીક નથી. આવી રીતે મૂકવાથી ઘરેણાં તૂટવાનો અને બેડોળ બની જવાનો ભય રહે છે, માટે જ ઘરેણાં ઉપયોગમાં લીધા પછી તેમને રૂ કે વેલવેટવાળી ખાસ બોકસમાં જ મૂકવા જાેઈએ.
કિંમતી ઘરેણાં પહેરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમની ચમક પર સૌદર્યપ્રસાધનોની ખરાબ અસર ન પડે. સાવધાની તરીકે ઘરેણાં પહેરતાં પહેલા કે પછી તે જગ્યાએ પફર્યુમ કે સ્પ્રે વગેરેનો સીધો છંટકાવ ન કરો, કેમ કે સ્પ્રે લાગવાથી ઘરેણાંની ચમક જતી રહે છે અને તે કાળા પડી જાય છે.
ઘરેણાંની ચમક જાળવી રાખવા અહી આપેલા કેટલાક નુસખા અજમાવવા જેવા છેઃ
• ઘરેણાં સાફ કરવા માટે કોઈપણ વસ્તુઓની જરૂર નથી, પણ ઘરમાં કામમાં લેવાતી વસ્તુઓની મદદથી જ તેમને સાફ કરી શકાય છે. • જૂના અને નકામા ટૂથબ્રશ પર પેસ્ટ લગાવીને કાળા થઈ ગયેલા ઘરેણાં પર ઘસવાથી ઘરેણાં સ્વચ્છ થઈ જશે. ઘરેણાંને થોડીવાર પાણીમાં પલાળી રાખીને આ રીતે સાફ કર્યા પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.
• પાલક, મેથી જેવા લોહતત્વવાળા લીલા શાકભાજીને પાણીમાં ઉકાળ્યા પછી વધેલા ઠંડા પાણીમાં ઘરેણાં ડુબાડી દો. થોડીવાર પછી બ્રશથી ઘસીને તેમને સાફ કરી નાખો. તે ચમકી ઉઠશે. • બટાકાના ટુકડાથી અથવા બાફેલા બટાકાના પાણીથી ઘરેણાં સાફ કરવાથી પણ તે ચમકી ઉઠે છે.
• અરીઠાં ઉકાળી તેના ગાળેલા પાણીમાં ઘરેણાને પાંચ મિનિટ બોળી રાખો પછી ઘસીને સાફ કરી નાખો. એકદમ ચોખ્ખા થઈ જશે. • કોઈપણ ડિટર્જન્ટ પાઉડરના મિશ્રણમાં ૧/૪ ચમચી હળદર નાખીને એ મિશ્રણમાં ઘરેણાંને પાંચ મિનિટ સુધી ડુબાડી રાખો બ્રશથી સારી રીતે સાફ કરી નાખો. ઘરેણાં ચમકી ઉઠશે. ઉપર જણાવેલી રીતથી ઘરેણાં સાફ કરી, સારી રીતે ધોઈ, કોરા કપડાથી લૂછી તેમને ટિશ્યૂ પેપર અથવા રૂમાં વીંટીને બોકસમાં મૂકી દો. આથી તેમને હવા નહીં લાગે અને તેમની ચમક પણ જળવાઈ રહેશે.
આમ, ઘેર ઘરેણાં સાફ કરવાથી તમારા પૈસા બચશે. સોની એસિડથી ઘરેણા સાફ કરે છે, એટલે તેમનું વજન પણ ઓછું થઈ જાય છે. તમે ઉપર જણાવ્યા પ્રમાણે તમારા ઘરેણાંની સારસંભાળ લેશો તો તે લાંબા સમય સુધી સારા રહેશે અને જલદી તૂટશે પણ નહીં. આમ, ઓછી મહેનતે તમે ઘરેણાંને ચમકતાં રાખી શકો છો.