કિડની અને સ્વાદુપિંડના પ્રત્યારોપણ બાદ શિક્ષિકા ચેતનાબેનના જીવનમાં નવચેતના પ્રસરી
કિડની હોસ્પિટલમાં ૭ કલાકના સફળ ઓપરેશન બાદ ભારતમાં રેર ગણાતું બેવડું ટ્રાન્સપ્લાન્ટ પાર પડાયુ
૩૫ વર્ષીય શિક્ષિકા ચેતનાબેન બાળપણથી જ ટાઇપ-૧ ડાયાબિટીસ ધરાવતી હોવાના કારણે શારિરીક તકલીફોમાંથી પસાર થઇ રહ્યા હતા. પાંચ વર્ષ પહેલા ચેતના બેનની કિડની પણ ફેઇલ થઇ જતા અઠવાડિયામાં ત્રણ વખત નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત ઉભી થઇ. જેના કારણે મોરબીના રહેવાસી ચેતના માટે જીવન ખૂબ જ સંઘર્ષમય બની રહ્યુ.ટાઇપ-1 ડાયાબિટિસ હોવાના કારણે દરરોજ સુગરની માત્રાને જાળવી રાખવા માટે સતત કરાતી તપાસ તેણીની પીડામાં ઉમેરો કરતી હતી.
આ પીડાથી મુક્ત કરવા ગત મહિનામાં અમદાવાદની સિવિલ સંકુલમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)ની તબીબોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા કિડની અને સ્વાદુપિંડના બેવડા ટ્રાન્સપ્લાન્ટ બાદ તેણીનું જીવન બદલાઇ ગયું. દુલર્ભ ગણી શકાય તેવું આ બેવડું કિડની અને સ્વાદુપિંડનું પ્રત્યારોપણ એક જ વારમાં કિડની હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત તબીબ ડો. જમાલ રિઝવી અને ડૉ. દેવાંશુ પટેલ દ્વારા હાથ ધરવામાં આવ્યું. સાત કલાકથી વધુ સમય ચાલેલા સફળત્તમ બેવડા પ્રત્યારોપણ બાદ ચેતનાબેન હાલ સ્વસ્થ છે અને આગામી બે અઠવાડિયામાં કોઇપણ સમયે તેણીને રજા મળી શકે તે માટે તૈયાર છે.
આઈ.કે.ડી.આર.સી.ના. યુરોલોજી ડિપાર્ટમેન્ટના ડૉ. જમાલ રિઝવીએ કહ્યુ કે “કિડની અને સ્વાદુપિંડની બેવડાં પ્રત્યારોપણ બાદ તેણી ખૂબ જ સારી રીતે કામ કરી છે. તેણીનું સુગરનું સ્તર જળવાઇ રહે છે અને કિડની સામાન્ય સ્થિતિમાં કામ કરી રહી છે. કિડની અને સ્વાદુપિંડના બેવડા પ્રત્યારોપણથી ન માત્ર તેણીની જીવન ગુણવત્તામાં સુધારો થયો છે, પરંતુ તે પ્રત્યારોપિત કિડનીને લાંબા સમય સુધી ટકી રહેવાની ખાતરી આપે છે. સફળત્તમ બેવડું પ્રત્યારોપણ હોવા છતાં આઈકેડીઆરસીએ કોવિડ-19 મહામારીના કારણે ચેપ લાગવાની શક્યતાને દૂર કરવા માટે તેણીને હાલ રજા આપવામાં ન આવે તેવો નિર્ણય કર્યો હતો.
ડૉ. રિઝવી અનુસાર ટાઇપ-1 ડાયાબિટિસ સહાયિત કિડની-સ્વાદુપિંડની ખામી દસ હજાર વ્યક્તિઓમાંથી એકને થાય છે. આકેડીઆરસીમાં દાખલ દર્દીઓમાં ડાયાબિટિસનું પ્રમાણ લગભગ 20 ટકા છે, જ્યારે ટાઇપ-1 ડાયાબિટિસના દર્દીઓ 0.5 ટકા છે. – તેમણે વધુમાં જણાવ્યું.
ઉત્સાહજનક પરિણામોથી પ્રોત્સાહિત થઇને આઈકેડીઆરસીએ રાજ્યમાં આવા દર્દીઓને રાહત આપવા માટે પોતાના ‘ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ’નું વિસ્તરણ કરવાનો નિર્ણય કર્યો છે. “છેલ્લા ત્રણ વર્ષમાં અમને પ્રાપ્ત અનુભવ અને સફળતા સાથે કિડની અને સ્વાદુપિંડના બેવડાં પ્રત્યારોપણને અમે વધુ પ્રમાણમાં કરવા માટેનો વિશ્વાસ છે.” તેમ આઈકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યુ હતુ.. સમગ્ર ગુજરાતમાંથી એકત્રિત કરાતા અસંગઠિત ડેટા પ્રમાણે આશરે 6000 દર્દીઓ ટાઇપ-1 ડાયાબિટિસ સામે ઝઝૂમી રહ્યાં છે, જેઓને નજીકના સમયમાં બેવડા અંગ પ્રત્યારોપણની જરૂર પડી શકે છે તેમ ડૉ. મિશ્રાએ ઉમેર્યુ હતુ.
ટાઇપ-1 ડાયાબિટિસના કારણે કિડની ફેલ્યોરનો ભોગ બનેલા પુખ્ય લોકો કિડની-સ્વાદુપિંડ પ્રત્યારોપણ માટે સંભવિત ઉમેદવારો છે. ઈન્સ્યુલિન એક હોર્મોન છે જે માનવ શરીરમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ટાઇપ-1 ડાયાબિટિસમાં, સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિન બનાવતું નથી. પ્રત્યારોપિત કરાયેલ સ્વાદુપિંડ ઈન્સ્યુલિન બનાવી શકે છે અને ટાઇપ-1 ડાયાબિટિસને સુધારી શકે છે.
કેમ આ પ્રત્યારોપણ અતિ દુર્લભ ગણાય છે ?
કિડની અને સ્વાદુપિંડનું બેવડું પ્રત્યારોપણએ ભારતમાં દુર્લભ છે, કારણ કે તેમાં યુવાન અને પાતળા કેડેવર દાતાની જરૂર હોય છે. સંપૂર્ણપણે કેડેવર મેચ શોધવા માટે સમય માંગી લેતી પ્રક્રિયા હોવાના કારણે એકલા આઇડેડીઆરસીએ છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત આઠ બેવડી પ્રત્યારોપણ સર્જરી કરી છે.પીજીઆઈ- ચંદીગઢ એક અન્ય તબીબી સુવિધા છે કે જ્યાં બેવડી પ્રત્યારોપણ સર્જરી સક્રિય રીતે કરવામાં આવે છે.