કિડની પ્રત્યારોપણથી ૧૨ વર્ષની જીયા અને ૧૬ વર્ષની અંજલીને નવજીવન મળ્યું
સિવિલ મેડિસીટીની કિડની (IKDRC)હોસ્પિટલમાં ૧૨ વર્ષીય જીયા અને ૧૬ વર્ષીય અંજલીનું જીવન કાર્યક્ષમ બન્યું
“સ્કુલ હેલ્થ કાર્યક્રમ”અંતર્ગતબંને દિકરીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને પોસ્ટ ઓપરેટીવ કેરનો લાભ મળ્યો
અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલના બે અલગ-અલગ આઇસોલેશન રૂમમાં રહેતી જીયા અને અંજલિની કહાણી એ ‘બે દીકરીઓના સંધર્ષની કહાણી’ છે. આ બન્ને દીકરીઓ અતિગંભીર પીડા સાથે લાંબા સમયથી જીવી રહી હોવાથી પોતાના સામાન્ય બાળપણના આનંદને ગુમાવી ચૂકી હતી.
રમકડાના બદલે સોય અને સિરીંજોની રોજીંદી સંગત તેમની દિનચર્યા બની ગઇ હતી. ત્રણ વર્ષોની પ્રતિક્ષા બાદ આખરે સુખમય સમયનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.
ગત સપ્તાહે, એક ૧૭ વર્ષીય કિશોરના કેડેવરે (અંગદાન) ઈન્સ્ટીટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખાતે એક સાથે કિડની પ્રત્યારોપણના માધ્યમથી બન્ને દીકરીઓના જીવનને કાર્યક્ષમ બનાવીને નવજીવન બક્ષ્યું.
બાર વર્ષીય જીયાના પિતાશ્રી રજનીભાઈ સોજીત્રા કહે છે કે “કિડની નિષ્ફળતાના કારણે અમારી દીકરીને ગંભીર તબીબી સ્થિતિમાંથી પસાર થતી જોઇને ખૂબ જ પીડા અનુભવી રહ્યો હતો.”હું પોતાની પુત્રી માટે તાત્કલિક સારવાર ઇચ્છી રહ્યો હતો. પરંતુ ‘અલ્પોર્ટ સિન્ડ્રોમ’ નામની દુર્લભ આનુવાંશિક કિડની ડિસઓર્ડરની બિમારીના કારણે અશ્કય બની રહ્યું હતુ જેથી પ્રત્યારોપણ જ તેનો એકમાત્ર ઉપાય હતો.
જીયા માત્ર અઢી વર્ષની હતી, ત્યારે પ્રથમવાર તેની આ બિમારીનું નિદાન થયુ હતુ. “ખાનગી હોસ્પિટલોમાં જીયાની સારવાર માટે મોટા પ્રમાણમાં નાણા ખર્ચ્યા બાદ પણ સંતોષકારક પરિણામ ન મળતા સિવિલ મેડિસીટીમાં આવેલી આઇ.કે.આર.ડી.સી. હોસ્પિટલનો સંપર્ક સાધ્યો. જેનાથી અમને સકારાત્મક પરિણામનું આશ્વાસન મળ્યું.” ટ્રાંસપ્લાન્ટ બાદની દેખરેખમાં એક અઠવાડિયુ ગાળ્યા બાદ જીયાને આ અઠવાડિયાના અંત સુધીમાં સંસ્થામાંથી રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જીયાના બાજુના જ વોર્ડમાં રહેલી ૧૬ વર્ષીય અંજલિ સોનીની આવી જ તબીબી સ્થિતિ હતી. પરંતુ અંજલિના સંધર્ષનો એક જ મહિનામાં કેડેવર કિડની મેળવવીને સુખદ અંત આવ્યો.
પીડિયાટ્રીક નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટના તબીબ ડૉ઼. કિન્નરી વાળા કહે છે કે,કેડેવર ડોનેશન ગાઈડલાઇનથી અંજલિને રજિસ્ટ્રેશન થયાના એક મહિનાની અંદર કિડની મેળવવા માટે પ્રાથમિકતા આપવામાં આવી. “અંજલિ વધુ ડાયાલિસિસ વિટેંજ પોંઇન્ટ્સ ધરાવતી હતી, કારણ કે તેણી ત્રણથી વધુ વર્ષથી ડાયાલિલિસ હેઠળ હતી અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કેડેવર ડોનરના અંગો માત્ર પ્રતિક્ષા યાદીમાં બાળ રોગીઓને જ મળતા હોય છે.”
કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા કહે છે કે ,પીડિયાટ્રીક નેફ્રોલોજી,એ મેડિકલ જગતનો અત્યંત જટીલ વિષય છે. જેમાં દર્દીઓની કુમળી વયના કારણે ધૈર્ય અને બહુ-શિસ્ત દ્રષ્ટિકોણની જરૂરિયાત હોય છે, જે કેડેવર ડોનેશનના માધ્યમથી યોગ્ય આકારની કિડની શોધવા માટેનું એક મુશ્કેલ કાર્ય છે. પરંતુ કિડની હોસ્પિટલના અનુભવી અને શ્રેષ્ઠ સર્જનની ટીમ તેમજ સરકાર દ્વારા ઉપલબ્ધ સુવિધાઓના કારણે બાળરોગના કેડેવરમાં પણ અમને હકારાત્મક પરિણામો મળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે , ટ્રાન્સપ્લાન્ટ પહેલા જીયા અને અંજલિએ આઇકેડીઆરસી દ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના ડીસા અને રાજકોટ સેન્ટર્સ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ સારવારનો લાભ લીધો હતો. ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ અને ટ્રાન્સપ્લાન્ટ બાદ જીવનપર્યંત સંભાળનો ખર્ચ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.