કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વહેલી સવારે આગ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જાણીતી કિડની હોસ્પિટલના ચોથા માળે આવેલા ઓપરેશન થિયેટરમાં આજે વહેલી સવારે અચાનક જ આગ ભભૂકી ઉઠતાં સત્તાવાળાઓ એલર્ટ થઈ ગયા હતા અને તાત્કાલિક આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેતા કિડની હોસ્પિટલના સત્તાવાળાઓએ હાશકારો અનુભવ્યો હતો જાકે આગના કારણે સમગ્ર ફલોર પર ધુમાડો જાવા મળતો હતો આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
આ દરમિયાનમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી જાણીતી કિડની હોસ્પિટલના ચોથા માળે આવેલા ઓપરેશન થિયેટરમાં અચાનક જ ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા જેના પરિણામે હોસ્પિટલ સત્તાવાળાઓ સક્રિય બન્યા હતા અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી જાકે તે પહેલા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.
કિડની ઈન્સ્ટીટયુટમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ત્રણ ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચી ગયા હતાં અને યુદ્ધના ધોરણે પાણીનો મારો શરૂ કર્યો હતો જેના પગલે ગણતરીની મીનીટોમાં જ આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી ફાયરબ્રિગેડના અધિકારીઓએ ત્યારબાદ ઓપરેશન થિયેટરની તપાસ શરૂ કરી છે
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહયું છે આ આગના કારણે ઓપરેશન થિયેટરમાં રહેલા કિમતી સાધનોને ભારે નુકસાન પહોચ્યું છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.