કિનારા પર નીર ગંગાના પણ જેને ડરાવતા હતા તે યુવતી પ્રેમીને પામવા મધદરિયે પહોંચી ગઈ
પ્રેમની વસંત બારેમાસઃ નિલકંઠ વાસુકિયા
દરિયા કિનારા પર વસેલ માયાનગરીમાં સારા નામની યુવતીનો પરિવાર નિવાસ કરી રહ્યો છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સારા નોકરીની શોધ કરી રહી છે. સારાની સોસાયટીમાં જ રહેતો રૂદ્ર નામનો યુવાન પણ નોકરીની શોધ કરી રહ્યો છે. થોડા દિવસની શોધખોળ પછી તો સારાને મલ્ટિનેશનલ કંપનીના મોલમાં નોકરી મળી જાય છે પરંતુ રૂદ્ર ને નોકરી મળતી નથી. એક જ સોસાયટીમાં રહેતા હોવાના કારણે સહજ રીતે સારા અને રૂદ્ર એકબીજાને સારી રીતે ઓળખે છે અને મદદરૂપ પણ બની રહ્યા છે. મિત્રની મદદથી રૂદ્રને ફૂડ સ્ટોલમાં નોકરી મળે છે પરંતુ તેનાથી તેને સંતોષ મળતો નથી. આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે રૂદ્ર મળેલી નોકરીને સ્વીકારી લે છે અને બાકીના સમયમાં ઉત્તમ નોકરીની શોધખોળ ચાલુ રાખે છે. મલ્ટીપ્લેક્સ, હોટેલ, મેગા સ્ટોર, શો રૂમ સહિત અનેક જગ્યાએ રૂદ્ર ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે પરંતુ દરેક જગ્યાએથી રૂદ્ર ને ફક્ત નિરાશા જ હાથ લાગે છે અને તેને કોઇ સારી નોકરી મળતી નથી. ચારેબાજુથી હતાશ થયેલો રૂદ્રનો ચહેરો મુરઝાવા લાગે છે અને હવે તે ફુડ સ્ટોલની નોકરી પણ છોડી ને ઘરે બેસી રહેવાનું નક્કી કરે છે. હતાશ થયેલા રૂદ્રના ચહેરા પર એકા-એક રોનક પાછી આવી જાય છે.
સારાનો રૂદ્રના મોબાઈલ પર ફોન આવે છે કે કાલે સવારે અમારા મોલમાં ઇન્ટરવ્યૂ માટે તું આવી જજે. આ સાંભળીને રૂદ્ર ખુબ જ ખુશ થઇ જાય છે અને તે આખી રાત ઇન્ટરવ્યૂની તૈયારી કરે છે. સવારે ૧૦ઃ૦૦ કલાકે રૂદ્ર મોલ પર ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચી જાય છે. સારા પણ તેની સાથે જાય છે અને રૂદ્રને થોડી સમજ પણ આપે છે. મોલમાં ઇન્ટરવ્યુ આપીને રૂદ્ર ઘરે પહોંચે છે અને સાંજે ફોન આવે છે કે તમે નોકરી માટે સિલેક્ટ થઈ ગયા છો. મોલમાં પોતાની મનપસંદ નોકરી મળવાના કારણે રૂદ્ર ખુબ જ ખુશ થઇ જાય છે અને તેના આખા પરિવારમાં આનંદ છવાઈ જાય છે. રૂદ્ર મોલમાં નોકરી માટે જેવો પહોંચે છે કે તરત જ તે સૌથી પહેલા સારાને મળે છે અને કહે છે કે હું જીવનભર તારો આભારી રહીશ. મને તારા કારણે જ ઉત્તમ નોકરી મળી છે. આ સાંભળીને સારાએ કહ્યું કે તને મારી ભલામણના આધારે નહીં પરંતુ તારી આવડતના કારણે નોકરી મળી છે અને બીજી વાત કે એક મિત્ર જ બીજા મિત્રને કામ ન આવે તો બીજું કોણ કામ આવે?
એક જ સોસાયટીમાં રહેતા હોવાના કારણે સારા અને રૂદ્ર સાથે નોકરી માટે જાય છે અને સાથે ઘરે પરત આવે છે. મોલમાં પણ બંને આખો દિવસ સાથે કામ કરે છે અને બપોરના સમયે સાથે ટિફિન પણ જમે છે ઘણી વખત તો સારા રૂદ્ર માટે પોતાના ઘરેથી ટિફિન લઈને આવે છે અને રૂદ્રને પ્રેમથી જમાડે છે. સારા અને રૂદ્રની ગાઢ મૈત્રી હવે પ્રણય તરફ આગળ વધી રહી છે. બંને એકબીજાને ખૂબ જ સંભાળ રાખી રહ્યા છે અને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. પરંતુ સારા કે રૂદ્ર બંનેમાંથી એક પણ વ્યક્તિ પ્રેમનો એકરાર કરતી નથી. મોલના સહકર્મચારી વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે રૂદ્ર અને સારા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા છે. માયાનગરીની ભાગદોડવાળી જિંદગીમાંથી થોડો સમય કાઢી મોલના કર્મચારીઓ ઉત્તરાખંડમાં પ્રવાસ જવાનું નક્કી કરે છે અને તેમાં સૌની સાથે સારા અને રૂદ્ર પણ જોડાય છે.
બધા સાથે મળીને ઉત્તરાખંડમાં પ્રાકૃતિક સૌંદર્યનો અલૌકિક આનંદ માણે છે અને ગંગા મૈયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. બધા લોકો ગંગામૈયાને પ્રણામ કરી સ્નાન કરી રહ્યા છે પરંતુ સારા દૂર ઊભી રહીને જ ગંગા મૈયા ને પ્રણામ કરે છે. રૂદ્રના વારંવાર કહેવા છતાં પણ સારા દૂર ઊભી રહે છે અને કિનારા સુધી પણ આવતી નથી. રૂદ્ર પહેલેથી જ જાણે છે કે સારાને નાનપણથી પાણીથી ખૂબ ડર લાગે છે જેના કારણે તે બહુ આગ્રહ કરતો નથી. પરંતુ સાથે આવેલો રેહાન બોલી જાય છે કે ગંગા મૈયાના કિનારા સુધી આવવામાં જે છોકરીને ડર લાગતો હોય તે શું હિંમતથી સાચો પ્રેમ કરી શકવાની છે? ત્યારથી રેહાનના આ શબ્દો સારાના કાનમાં સતત ગૂંજ્યા કરે છે અને તે પાણીના ડરને હરાવવા માટે દ્રઢ નિશ્ચય કરે છે. ઉતરાખંડથી પરત આવીને માયાનગરીમાં આવતાની સાથે જ સારા સ્વિમિંગ ક્લાસમાં જવાનુ શરૂ કરે છે. શરૂઆતના દિવસોમાં સારા પાણીથી થોડી ડરી રહી છે પરંતુ હિંમત કરીને તે સ્વિમિંગ શીખી રહી છે.
એક મહિનામાં સારા સ્વિમિંગ શીખી જાય છે અને થોડી ઊંચાઈ પરથી પાણીમાં છલાંગ લગાવવાની પણ તેનામાં હિંમત આવી જાય છે. રજાના દિવસે સારા રેહાનને પોતાની સાથે સ્વિમિંગ પૂલમાં લઈ આવે છે અને તેની સામે ૧૫ ફૂટની ઊંચાઈ પરથી પાણીમાં છલાંગ લગાવે છે. ત્યાર પછી સારા રેહાન પાસે આવે છે અને કહે છે કે હું કોઈનાથી ડરતી નથી અને મારા પ્રેમને કોઇ પણ રીતે મેળવી શકું છું. આ સાંભળીને રેહાન એક પણ શબ્દ બોલી શકતો નથી અને ચુપચાપ ઊભો રહે છે. સારા થોડા ગુસ્સા સાથે રેહાનને જણાવે છે કે હું રૂદ્રને પ્રેમ કરું છું અને તેને પામવા માટે દરિયામાં પણ જઈ શકું છું. રેહાન હવે કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી મૌન રહેવાનું જ પસંદ કરે છે. સારા રૂદ્રને પ્રેમ કરવા લાગે છે અને મોલમાં સારા રૂદ્રની વધુ કાળજી રાખી રહી છે અને સતત તેની સાથે જોવા મળી રહી છે. સારા રૂદ્રને કામમાં પણ મદદરૂપ બની રહી છે. રૂદ્ર પણ સારાની લાગણી સમજી જાય છે અને તે પ્રેમનો એકરાર કરવાનો વિચાર કરી રહ્યો છે. ત્યારે અચાનક જ સારા રૂદ્ર પાસે આવે છે અને કહે છે કે ચાલને આપણે બન્ને સાથે હોડીમાં બેસીને દરિયાની સફરનો આનંદ માણીએ. આ તું શું કહી રહી છે. તને તો પાણીથી ખૂબ જ ડર લાગે છે અને દરિયામાં જવાનું કહે છે તેવો રૂદ્ર પ્રશ્ન કરે છે. રૂદ્ર મારી સાથે હોય પછી મને દરિયો તો શું કોઈની પણ બીક ન લાગે તેમ સારા જણાવે છે. થોડા દિવસો પછી આયોજન કરીને સારા અને રૂદ્ર સાથે હોડીમાં બેસી દરિયાનો આનંદ માણવા માટે નીકળી પડે છે.
હોડી કિનારાથી થોડી દૂર ગયા પછી સારા મધદરિયે રૂદ્રનો હાથ પોતાના હાથમાં લઈને પ્રેમનો એકરાર કરે છે અને રૂદ્ર પણ સારાને અનહદ પ્રેમ કરતો હોવાથી તરત જ પ્રેમના પ્રસ્તાવનો સ્વીકાર કરે છે. હવે રૂદ્ર અને સારા ગાઢ મિત્રમાંથી પ્રેમી બની જાય છે. તારો પાણીનો ડર ક્યાં ગયો તેમ જ્યારે રૂદ્ર પ્રશ્ન કરે છે ત્યારે સારા જણાવે છે કે ઉત્તરાખંડમાં થી આપણે જ્યારે પરત આવ્યા ત્યારે તરત જ સ્વિમિંગ ક્લાસ શરૂ કર્યા હતા અને હું સ્વિમિંગ શીખી ગઈ છું અને મારો પાણીનો ખોટો ડર દૂર થઈ ગયો છે. રૂદ્રના પ્રેમને પામવા માટે હું કંઈ પણ કરી શકું છું. આ સાંભળીને રૂદ્ર પણ ખૂબ જ ખુશ થાય છે અને સારાને કહે છે કે “તારી સાદગી, દ્રઢ નિશ્ચય ને સરળ સ્વભાવ જોઇ આંખોમાં પ્રેમ ઉભરાઈ ગયો ને હું પણ તારા પ્રેમમાં ભીંજાઇ ગયો.”