કિન્નોરમાં પર્યટકોની કાર પર ભેખડ પડતાં ૯ જણાનાં મોત
પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરના હતા, એક પુલ તૂટી ગયો
શિમલા, હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પર્વતની ભેખડ પર્યટકોની કાર પર પડવાને કારણે ૯ લોકોના મોત થયા છે. આ પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરના હોવાની માહિતી મળી છે. ભૂસ્ખલનમાં એક પુલ પણ તૂટી ગયો છે. આ ઘટના સાંગલા ઘાટીમાં થઈ છે.
અત્યાર સુધી પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટના કિન્નોર જિલ્લાના બટેસરીના ગુંસાની પાસે થઈ છે. અહીં સાંગલાની તરફ આવી રહેલા પર્યટકોની કાર ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ હતી. હાલ ૯ લોકોના મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. જાણવા મળી રહ્યું છે કે આ પર્યટક દિલ્હી અને ચંડીગઢથી હિમાચલ ફરવા આવ્યા હતા.
દુર્ઘટનાની જાણકારી મળતા વહીવટી તંત્ર અને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય જારી છે. કોંગ્રેસ ધારાસભ્ય જગત સિંહ નેગી અનુસાર તે ક્ષેત્રમાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે, આ કારણે બચાવ કાર્યમાં સમસ્યા આવી રહી છે.
કિન્નોરના એસપી સાજૂ રામ રાણાએ જણાવ્યુ કે, બટસેરી પુલ તૂટી ગયો છે. રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે.
એવી પણ માહિતી મળી છે કે ટૂરિસ્ટોને સ્થાનિક અધિકારીઓએ દુર્ઘટનાને આશંકાને જાેતા જવાની ના પાડી હતી. પરંતુ તેઓ પોલીસની નજરથી બચી નિકળી ગયા હતા.