કિન્નોરમાં ભૂસ્ખલનને કારણે પહાડ ધરાશાયી થયો,૪૦થી વધું લોકો કાટમાળ નીચે દબાયાની શંકા : ૧૦ના મોત
(હિ.મી.એ),શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં આવેલ નિગુલસેરી નેશનલ હાઈવે-૫ પર ચીલ જંગલ પાસે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે આખે આખા રસ્તા પડી રહ્યા છે.
આ ઘટનામા એચઆરટીસીની એક બસ પણ આ ભૂસ્ખલનના ઝપેટમાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી છે.
સાથેજ કુલ ૪૦ જેટલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. જયારે અત્યાર સુધી ૧૦ના શબ કબજે કરવામાં આવ્યા છે
પોલીસ અને તંત્ર દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને જે બસ કાટમાળ નીચે દબાઈ છે. તે બસ હરિદ્વાર રૂટની બસ હતી.
માત્ર બસ નહી પરંતું ઘણા બધા વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. સાથે જ બસમાં કેટલા મુસાફરો હતા તે મુદ્દે પણ હજું કોઈ માહિતી સામે નથી આવી.
ગત ૨૫ જુલાઈએ પણ કિન્નોર જિલ્લામાં આવેલ બટરેસી વિસ્તારમાં સાંગલા-છિતકુલ માર્ગ પર ભૂસ્ખલનને કારણે એક વાહન કાટમાળ નીચે દબાઈ ગયું હતું. આ ઘટનામાં મુસાફરોનું કરૂણ મોત થયું હતું.
અકસ્માત એટલો ગંભીર હતો કે વાહન ૬૦૦ મીટર નીચે બાસ્પા નદીના કિનારે બીજા રસ્તા પર જઈને પડ્યું હતું. અગાઉ જે અકસ્માત સર્જાયો હતો. તેમા છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દિલ્હીના મુસાફરો પણ હતા.
કે જેઓ દિલ્હીથી એક પ્રાઈવેટ વાહન કરી પ્રવાસે આવ્યા હતા. આ ઘટનામાં બાસ્પા નદી પર આવેલ ૧૨૦ મીટર લાંબો લોખંડનો પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ જે દુર્ઘટના ઘટી છે તેમા અનેક વાહનો ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમા કુલ ૪૦ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પહાડનો એક હિસ્સો ધરાશાયી થતા વાહનવ્યવહાર ખોરવાયો છે. તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.
હિમાચલમાં થયેલી આ ઘટના બાદ મુખ્યમંત્રી કાર્યાલયથી લઈને દિલ્હી સુધીના અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સ્થાનીક
લોકોનો દાવો છે કે કાટમાળમાં અનેક વાહનો દબાયેલા છે. આ સિવાય જે બસ પણ શિકાર બની છે તેમાં ૪૦-૪૫ યાત્રીકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.
દુર્ઘટનામાં બસની સાથે અન્ય પાંચ નાના હાવનો પણ દબાયાની આશંકા છે. ભેખડ ધસી પડ્યા બાદ નેશનલ હાઈવે નંબર ૫ બ્લોક છે.
આ દુર્ઘટના બપોરે ૧૨.૩૦ કલાક બાદ થઈ છે. કાટમાળમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની સાથે એક ટ્રક અને ગાડી પણ દબાયેલા જાેવા મળી રહ્યાં છે.
કિન્નૌર દુર્ઘટના પર મુખ્યમંત્રી જયરામ ઠાકુર નજર રાખી રહ્યા છે, તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ- મેં પોલીસ અને સ્થાનીક પ્રશાસનને બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. એનડીઆરએફને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
કિન્નૌરમાં થયેલી દુર્ઘટનાને લઈને ગૃહ મંત્રી અમિત શાહે હિમાચલના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી છે. અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ઘટનાની જાણકારી મેળવી છે.
આ સાથે તેમણે ડીજી આઈટીબીપી સાથે વાત કરી છે. અમિત શાહે પ્રભાવિત લોકોને જલદી સુવિધાઓ પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે લોકોને ઘટનાસ્થળેથી કાઢવાનો નિર્દેશ પણ આપ્યો છે. હાલમાં રાહત તથા બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.