કિમ માંડવી રોડ પર અકસ્માતનો ભોગ બનેલા હજુ છ મજૂરો સ્મીમેરમાં સારવાર હેઠળ
બે ફૂટ ઊંચી ગડર પર સુતેલા મજૂરોને કચડી ડમ્પર દુકાનોમાં ઘુસી ગયું : કાળમુખા ડમ્પરે ૧૫ નિર્દોષ મજૂરોને કચડી નાખ્યા : બેની હાલત ગંભીર
સુરત, કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર મોડીરાત્રે એક ડમ્પર ફરી વળતાં ૧૨ મજૂરોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જયારે આ બનાવમાં અન્ય આઠ મજૂરોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં આઠ પૈકી મોડીરાત્રે ત્રણના મોત થયા હતા. જયારે અન્ય પાંચ પૈકી હજુ બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ડમ્પર ચાલક અને ક્લિનરને પણ સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા છે.
કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામની સીમમાં ગતરોજ મોડીરાત્રે હચમચાવી નાખનાર અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં ૧૫ નિર્દોષ મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સમગ્ર ઘટનાની માહિતી એવી છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના વતની અને હાલમાં પાલોદગામની સીમમાં રહેતા મજૂરો સ્થાનિક વિસ્તારમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ મજૂરો દરરોજ મજૂરી કામ કરી ત્યાં જ રોડની સાઇડે બનાવવામાં આવેલ મોટી અને બેથી ત્રણ ફૂટ ઊંચી ગડર પર સુઈ જતા હતા. ગતરોજ પણ રાત્રે પોતાના નિત્યકર્મ પ્રમાણે મજૂરો જમીને ગડર પર સુઈ ગયા હતા. આ સમયે રાત્રે ૧૧.૩૦થી ૧૧.૪૫ વાગ્યાના અરસામાં એક જીજે.૧૯.એક્સ. ૦૯૦૧ ડમ્પરનો ચાલક પુરપાટ ઝડપે આવ્યો હતો.
ડમ્પર ચાલકે સામેથી આવતા ટ્રેક્ટર ને ટક્કર માર્યા બાદ અચાનક જ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર રોડની સાઇડે આવેલા ગડર પર ચઢી ગઈ હતી. આ સમયે ગડર પર સુતેલા ૨૧ જેટલા મજૂરો પર ડમ્પર ચાલકે ડમ્પર ફેરવી દેતા એક માસુમ બાળક સહીત કુલ ૧૨ મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
આ સિવાય અન્ય નવ મજૂરોને ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સના માધ્યમથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમયે રસ્તામાં જ શોભાના નામની મહિલાનું મોત નીપજ્યું હતું. જયારે સ્મીમેરમાં મળસ્કે સારવાર દરમિયાન અનિતા અને દિલીપ નામના અન્ય બે મજૂરોના પણ મોત નિપજતા મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો હતો. હજુ પણ આ ઘટનામાં કુલ છ વ્યક્તિ સ્મીમેરમાં સારવાર હેઠળ છે. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે જયારે અન્ય ચાર સારવાર હેઠળ છે.
મોડીરાત્રે બનેલી ઘટનાની જાણ થતાની સાથે જ કિમ, કોસંબા સહીત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાવા પામી હતી.
ગમખ્વાર અકસ્માતને પગલે આજુબાજુથી લોકો પણ મદદે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. હાલ તો પોલીસે આ સમગ્ર ઘટનામાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ડમ્પર ચાલક વધુ પુરપાટ ઝડપે હોવાના કારણે મજૂરોને કચડી નાખ્યા બાદ પણ ડમ્પર પર કાબુ મેળવ્યો ન હતો અને છેવટે ડમ્પર ગડરથી પણ દૂર આવેલા દુકાનોમાં ઘુસી જતા પાંચ દુકાનોના શેડ પણ તોડી પાડ્યા હતા.
પરિવારજનોની રાહ જોતા મૃતકો
મોડીરાત્રે બનેલી સમગ્ર ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. મૃતકોની રાત્રે માત્ર નામની જ ઓળખ થવા પામી હતી. જયારે વહેલી સવાર સુધી તેમના કોઈ પરિવારજનોની ઓળખ થઇ શકી ન હતી. જોકે વહેલી સવારે મજૂરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેમના પરિવારને બનાવની જાણ કરવામાં આવી હતી.
હાલ તો દરેક મૃતકોના પરિવારજનો વતનથી સુરત આવવા નીકળી ગયા છે. પરંતુ હાલ તો તમામ મૃતકોના શબને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં એક માસુમ બાળકીનો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે કેટલાય પરિવારનો માળો વિખાઈ ગયો છે.