કિવમાં ઘુસવા પ્રયત્ન કરી રહેલા 200 રશિયન સૈનિકોને પકડી લેવાયા
યુદ્ધમાં 3500 થી વધુ રશિયન સૈનિકોની ખુવારીનો યુક્રેનનો દાવો
કીવ, યુક્રેન, યુક્રેન પર રશિયાના ભીષણ હુમલા છતાં રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેસ્કીએ શરણે થવાની કે સલામત રીતે દેશ છોડવા માટે અમેરિકાએ એરલીફટ કરવા કરેલી ઓફર ફગાવી હતી અને કહ્યું હતું કે અમે રશિયન સૈન્યને પુરી તાકાતથી લડાઈ આપી રહ્યા છીએ. હું દેશ છોડવાનો નથી. અમારે શસ્ત્રો જોઈએ છીએ જે અમેરિકા અને અન્ય દેશોએ પહોંચાડવા જોઈએ.
અમેરિકી ગુપ્તચર એજન્સીએ કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિ અને તેના કુટુંબ તથા સીનીયર અધિકારીઓને યુક્રેનમાંથી એરલીફટ કરવાની યોજના તૈયાર રાખી છે અને આ માટે પોલેન્ડ સહિતની સરહદો પર અમેરિકાના કમાન્ડોની ટીમ પહોંચી ગઈ છે. પરંતુ રાષ્ટ્રપતિએ પોતે દેશ છોડશે નહી અને પુરતી લડાઈ આપવા તૈયાર છે
તેવું જણાવીને કહ્યું કે અમે કિવને બચાવવા માટે સક્ષમ છીએ. પરીસ્થિતિ અમારા નિયંત્રણમાં છે અને રશિયન સેના કિવની અંદર પ્રવેશે નહી તે અમે જોઈ રહ્યા છીએ અને તેથી મારે દેશ છોડવાની જરૂર નથી. પરંતુ અમને શસ્ત્રો અને દારુગોળો પહોંચાડવા જોઈએ.
પોલેન્ડ-બલ્ગેરીયા સહિતના દેશોએ રશિયન વિમાનોને હવાઈ સીમામાં પ્રવેશ કરવા સામે ચેતવણી આપી: નાટોની કમાન્ડર ટુકડી પણ પોલેન્ડમાં પહોંચી
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રશિયાની કલ્પના કરતા યુક્રેનની સેના વધુ જોરદાર મુકાબલો કરી રહી છે. 3500 જેટલા રશિયન સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો છે તથા 200ને જીવતા પકડી લીધા છે. હજુ પણ કિવ અને પોલેન્ડની સરહદો સુધીનો માર્ગ ખુલ્લો છે અને રશિયન દળો ત્યાં સુધી પહોંચી શકયા નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિના આજના વિધાનોથી અમેરિકા સહિતના દેશો પણ યુક્રેનને શસ્ત્રો અને દારુગોળો પહોંચાડવા વ્યવસ્થા કરે તેવી શકયતા વધી ગઈ છે અને આ માટે નાટોની એક તાકીદની બેઠક પણ મળી રહી છે.
પોલેન્ડ અને બલ્ગેરીયાએ રશિયાના વિમાનો માટે તેની હવાઈ સરહદ બંધ કરી દીધી છે અને તેના પરથી પસાર થનારા કોઈપણ રશિયન વિમાનને જમીન પર ઉતારવાની ફરજ પડશે તેવુ જાહેર કર્યુ છે અને તેના આકાશમાં નાટોના વિમાનો પેટ્રોલીંગ કરી રહ્યા છે.