કિશોરે ઈન્સ્ટાગ્રામ પર ફાંસીનું રીલ્સ બનાવતા જીવ ગયો
ઈન્દોર, ઈન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ભૂત આજે યુવાનોના માથા પર ખૂબ નાચી રહ્યું છે. પરંતુ ઘણી વખત આ જ ભૂત તેમના જીવ માટે જાેખમ ઊભું કરી દે છે. તેવામાં હાલમાં જ માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
ઈન્દોરમાં ૧૦માં ધોરણના એક વિદ્યાર્થીને સોશ્યલ મીડિયા પર વિડીયો બનાવવાની લત ભારે પડી છે. વિદ્યાર્થી ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે ફાંસી લગાવવાનો વિડીયો બનાવી રહ્યો હતો. તેણે ફાંસીનો ફંદો લટકાવ્યો અને તેના સાથીઓ વિડીયો બનાવી રહ્યા હતા.
અચાનક કિશોરનો પગ ખુરશી પરથી લપસી ગયો અને વિડીયો બનાવવા માટે તૈયાર કરેલો ફંદો ગળામાં ફસાઇ જતા પોતાના જીવથી હાથ ધોઇ બેસ્યો. ઈન્દોરના હીરા નગરમાં રહેતો આદિત્ય નામનો ધોરણ ૧૦નો વિદ્યાર્થી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવી રહ્યો હતો. કોલોનીના બાળકોને એકઠા કરી તેનો ફાંસી લગાવતો વિડીયો ઉતારવા કહ્યું હતું.
વિદ્યાર્થીએ ફિલ્મના ગીત પર એક્ટિંગ શરૂ કરી અને પછી ખુરશી પર ચઢીને ફાંસી લગાવવાની એક્શન કરવા લાગ્યો. પરંતુ તેની આ એક્ટિંગ હકીકત બની ગઇ અને ખુરશી પરથી પગ લપસી જતા આદિત્યને સાચે ફાંસી લાગી ગઇ. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના સમયે આદિત્યના માતાપિતા લગ્ન સમારંભમાં રતલામ ગયા હતા.
તેનો નાનો ભાઇ રાજદિપ શાળાએ ગયો હતો. આ બનાવ બાદ વિડીયો ઉતારી રહેલા બાળકો ગભરાઇને નાસી ગયા અને ગળું ઘૂંટાવાથી આદિત્યનું મોત નીપજ્યું.
બનાવના પગલે પોલીસે મોબાઇલ ફોન કબજે કરી લીધો છે અને તપાસ શરૂ કરી છે. મૃતકના પિતાએ જણાવ્યા અનુસાર, તેઓ પણ આદિત્યને લાગેલી આ સોશ્યલ મીડિયાની લતથી પરેશાન હતા. તેમણે થોડા સમય પહેલા જ તેના ફોનમાંથી આવી અનેક એપ્સ ડિલીટ કરાવી હતી, જેના પર વિડીયો બનાવીને અપલોડ કરી શકાતા હતા.
થોડા સમય પહેલા જ મુંબઇમાં ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર ઈરફાન ખાનને પોલીસે સ્વજાતને નુકસાન પહોંચાડવા અને આવું કન્ટેન્ટ પ્રોમોટ કરવા બદલ અરેસ્ટ કર્યો હતો. વિડીયોમાં પ્રેમમાં રીજેક્ટ થયા બાદ તે ટ્રેન સાથે ટકરાય છે તેવું દર્શાવ્યું હતું. આ વિડીયો વાયરલ થયા બાદ બાંદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.SSS