કિશોર બિયાની રૂપિયા ૨૮૮૮ કરોડની ચુકવણીમાં ડિફોલ્ટર

મુંબઈ, રિટેલ ઉદ્યોગના અગ્રણી કિશોર બિયાની એક પછી એક લોનની ચુકવણીમાં ડિફોલ્ટર બની રહ્યા છે. માર્ચ મહિનામાં તેઓ કુલ ત્રણ વખત ડિફોલ્ટ થયા હતા, જેમાં ૩૧ માર્ચે તેમની કંપની ફ્યુચર એન્ટરપ્રાઈઝ બેન્કોને રૂ. ૨૮૮૮ કરોડની લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી હતી. કુલ ત્રણ ડિફોલ્ટમાં તેમણે બેન્કોને રૂ. ૩૦૦૧ કરોડની ચુકવણી કરી નથી.
ફ્યુચર એન્ટરપ્રાઈઝ લિમિટેડે (એફઈએલ) શેરબજારને જણાવ્યું કે તેણે ૨૩ માર્ચે ૯૪ કરોડ રૂપિયા, ૨૮ માર્ચે ૧૯ કરોડ રૂપિયા અને ૩૧ માર્ચે ૨૮૮૮ કરોડ રૂપિયાની ચુકવણી કરી નથી. વન ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ (ઓટીઆર) હેઠળ આ રકમ ચુકવવાની છેલ્લી તારીખ હતી. ગયા વર્ષે એપ્રિલમાં તેમણે ધિરાણકારો સાથે ડીલ કરી હતી, પરંતુ નાણા ચુકવી શક્યા નથી.
પોતાની લોનને નોન-પરફોર્મિંગ લોન બનતી અટકાવવા માટે ફ્યુચર એન્ટરપ્રાઈઝ લિમિટેડે એક મહિનાના ક્યુરેટિવ પિરિયડમાં આ રકમ ચુકવવાની રહેશે. ફ્યુચર જનરાલી ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચીને ફ્યુચર એન્ટરપ્રાઈઝ ધિરાણકારોને ચુકવણી કરવાની હતી.
જાન્યુઆરીમાં જનરાલી પાર્ટિસિપેશન નેધરલેન્ડ્સને વીમા સાહસમાં પોતાનો ૨૫ ટકા હિસ્સો રૂ. ૧૨૫૨ કરોડમાં ચુકવવા ફ્યુચર ગ્રૂપ તૈયાર થયું હતું. પરંતુ આ ડીલને રેગ્યુલેટરી મંજુરી મળી ન હતી. તેના કારણે ફ્યુચર એન્ટરપ્રાઈઝ પોતાના ધિરાણકારોને પેમેન્ટ કરી શકી નથી.
જાેકે, ધિરાણકારોને તેણે કુલ ૩૦૦૧ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે તેથી વીમા કંપની સાથેની ડીલ થઈ હોત તો પણ આટલી મોટી રકમ ચુકવી શકાઈ ન હોત.
એફઈએલએ ફ્યુચર ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે અને તેના પર કુલ રૂ. ૫૦૦૦ કરોડનું દેવું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેની ફ્લેગશિપ કંપની ફ્યુચર રિટેલ પણ રૂ. ૩૪૯૫ કરોડની ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યાર બાદ બેન્કોઓ ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ રિકવરી કરવાનો ર્નિણય લીધો હતો.
કિશોર બિયાનીની બીજી કંપનીઓ પર પણ બેન્કો આકરી બની રહી છે. ફ્યુચર રિટેલ અંગે તાજેતરમાં બેન્ક ઓફ ઇન્ડિયાએ અખબારોમાં એક પબ્લિક નોટિસ આપી હતી અને બીજા ધિરાણકારોને ચેતવણી આપી હતી કે ફ્યુચર રિટેલની એસેટ અંગે કોઈ પણ ડિલ કરવી નહીં.
એપ્રિલમાં ફ્યુચર ગ્રૂપની તમામ કંપનીઓ પોતાના શેરહોલ્ડરો અને પોતાને ધિરાણ કરનારી તમામ બેન્કોસાથે બેઠક યોજશે અને રૂ. ૨૪,૭૧૩ કરોડની ડીલ વિશે તેમનો મત જાણશે.SSS