કિસાન કાયદા વિરૂધ્ધ દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડ઼ૂત સંસદ યોજાઇ
નવીદિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડૂત સંસદની શરૂઆત થઈ છે. ખેડૂત સંગઠનોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી સંસદમાં ચોમાસુ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ રોજ અહીં આ રીતે ખેડૂત સંસદ ચલાવશે. ખેડૂત નેતા શિવકુમારના જણાવ્યાં મુજબ ખેડૂત સંસદમાં ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા હતાં. ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવ્યા છે. દરેકને ૯૦ મિનિટનો સમય મળ્યો છે.ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો પોતાની સંસદ ચલાવશે. સદનમાં ખેડૂતો માટે અવાજ નહીં ઉઠાવવા બદલ સંસદ સભ્યોની તેમના મતવિસ્તારોમાં આલોચના કરવામાં આવશે.
હિંસાની આશંકાના સવાલ પર કસાન નેતા રાકેશ સિંહ ટિકૈતે કહ્યું કે જંતર મંતરથી સંસદ માત્ર ૧૫૦ મીટરના અંદર પર છે અમે અહીં અમારૂ સંસદ સત્ર આયોજીત કરીશું અમારે ગુંડાગીરીથી શું લેવા દેવા શું અમે બદમાશ છીએ. તેમણે કહ્યું કે આઠ મહીના બાદ સરકારે કિસાનોને માન્યા છે.કિસાન ખેતી કરવાનું પણ જાણે છે અને સંસદ ચલાવવાનું પણ જાણે છે.સંસદમાં કિસાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. જે સાંસદ કિસાનોનો અવાજ ઉઠાવશે નહીં અમે તેનો વિરોધ કરીશું. કિસાન સંસદની શરૂઆત પહેલા તો આંદોલન દરમિયાન શહીદ થયેલા કિસાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ કિસાન નેતાઓ પર જે કેસ દાખલ કરવામં આવ્યા હતાં તેને પાછા લેવાની માંગ કરવામાં આવી હતી.
સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા હતાં. દિલ્હી પોલીસે તેમને અહીં પ્રદર્શન માટે પરવાનગી આપી છે. જંતર-મંતર પર ‘કિસાન સંસદ’ લાગી હતી સિંઘુ બૉર્ડરથી ૨૦૦ ખેડૂતોનું જૂથ બસો દ્વારા જંતર-મંતર પહોંચ્યું હતું. પ્રદર્શનકારીઓ સાથે ઉપસ્થિત રહેલા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ફરી એકવાર પોલીસ દ્વારા બસોની તપાસ કરવામાં આવી રહી છે,
જેના કારણે ખેડૂત જંતર-મંતર સુધી પહોંચવામાં મોડા થયા છે. અન્ય ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ અને સરકાર વારંવાર તેમના વચનોથી પલટી રહી છે. અને ખેડૂતોનાં રસ્તામાં પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે કિસાન જંતર મંતર પર સરકારને એ બતાવવા આવ્યા છે કે તે મુર્ખ નથી બ્રિટેનની સંસદ અમારા મુદ્દા પર ચર્ચા કરી રહી છે પરંતુ અમારી સરકાર નહીં.
ખેડૂતોના પ્રદર્શનની વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે, અમે ખેડૂતોની સાથે વાતચીત કરવા તૈયાર છીએ. અમે પહેલા પણ વાત કરતા રહ્યા છીએ. મોદી સરકાર ખેડૂત હિતેચ્છુ છે.તોમરે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અપીલ કરી કે તેઓ વાતચીત માટે આગળ આવે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે અમે ૧૧ રાઉન્ડની વાતચીત કરી ચૂક્યા છીએ. હવે ખેડૂતોએ નક્કી કરવાનું છે કે તેઓ આગળ શું રસ્તો કાઢવા માંગે છે. પ્રદર્શનકારીઓને અપીલ છે કે તેઓ જણાવે કે શું રસ્તો કાઢવામાં આવે અને વાતચીત માટે આગળ આવે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશભરના ખેડૂતો કૃષિ કાયદાની સાથે છે.
ખેડૂતોના પ્રદર્શનને જાેતા દિલ્હીની ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર તથા જંતર મંતર પર સુરક્ષા વધારી દેવાઈ છે. પ્રદર્શન શરૂ થતા પહેલા અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો દિલ્હી પહોંચવા લાગ્યા છે. ખેડૂતો સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કર્યા હતાં.પ્રદર્શન દરમિયાન કિસાનોએ સુત્રોચ્ચાર કર્યા હતાં અને સરકારને ત્રણેય બિલ રદ કરવાની માંગ કરી હતી.
કિસાનોની સાથે શિરોમણી અકાલી દળ પણ કૃષિ કાનુનોના વિરોધમાં સામે આવ્યું છે આજે સવારે સંસદ ભવનની બહાર શિરોમણી અકાલી દળના નેતાઓએ કૃષિ મંત્રીને કાનુનોની વિરોધ બનાવવામાં આવેલ પોસ્ટરો બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસે કિસાનોના જંતર મંતર પર પ્રદર્શન પહેલા ત્રણ કૃષિ બિલોની વિરૂધ્ધ પ્રદર્શન કર્યા હતાં. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એકેટલાક કોંગ્રેસ સાંસદોની સાથે સંસદ પરિસરમાં આવેલ ગાંધી પ્રતિમાની સામે કૃષિ કાનુનોના વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કર્યા હતાં.
એ યાદ રહે કે કિસાનોએ પોતાની માંગોને મનાવવા માટે સંસદનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી પરંતુ દિલ્હી પોલીસની સાથે બેઠકમાં તેમને સંસદ સુધી જવાની મંજુરી મળી ન હતી ત્યારબાદ જંતર મંતર પર પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કિસાનોને ઓળખ પત્ર આપવામાં આવ્યા હતાં અને જેમની પાસે ઓળખપત્ર હતાં તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરરોજ ૨૦૦ને છુટ અપાઇ છે.