કિસાન વિકાસ સંઘ નેત્રંગના ઉપપ્રમુખને તેમની ઉત્કૃષ્ટ કામગીરીઓને લઈ રાષ્ટ્રપતિ એવોર્ડ ઘોષિત થયો
નેત્રંગના ખેડૂતોની સમસ્યાઓને સંઘ દ્વારા ઉઠાવી નિરાકરણ લાવવામાં સિંહફાળો આપ્યો હતો.
તક્ષશિલા અગ્નિકાંડમાં ૫ દીકરીઓને બચાવી : તાપી માંથી કેટલાય લોકોને જીવતા બહાર કાઢ્યા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ તાલુકાના ખેડૂતોની સંસ્થા કિસાન વિકાસ સંઘના ઉપ-પ્રમુખે અહીંના ખેડૂતોને પડતી સમસ્યાઓને લઈ નેત્રંગથી ગાંધીનગર સુધી પહોંચી નિરાકરણ લાવ્યા હતા.જ્યારે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં કૂદી જઈ પાંચ દીકરીઓને બચાવી હતી .મહામારી વખતે સિવિલ ડિફેન્સના સૈનિક તરીકે રેલવે સ્ટેશન ઉપર લાખો લોકો વચ્ચે રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી,કેટલીયે વ્યક્તિઓએ તાપી નદીમાં છલાંગ લગાવતા તેઓને બહાર કાઢી ડૂબતા બચાવવા સહિત અને છેલ્લા ઘણા વર્ષોથી સમાજિક સેવા અને સુરક્ષાના કાર્યો કરવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રકાશકુમાર વેકરીયાનું નામ ઘોષિત થતા કિસાન વિકાસ સંઘના ૪૫૦ જેટલા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
નેત્રંગ તાલુકા કિસાન વિકાસ સંધના ઉપપ્રમુખ પ્રકાશકુમાર વેકરીયા સુરત શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ૨૦ વર્ષથી રાષ્ટ્રસેવા અને સમાજ સેવા સાથે જોડાયેલા છે.કિસાન વિકાસ સંઘના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે.સુરત શહેરનાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં બચાવ કાર્યમાં જોડાયેલા પ્રકાશકુમાર વેકરીયા જેઓ હાલ ભારત દેશની ચોથી રક્ષા પાંખ ઈન્ડીયન સિવીલ ડિફેન્સમાં માનદ સૈનિક તરીકે સેવા આપી રહ્યા છે.છેલ્લા ૨ વર્ષમાં કુલ ૧૪ લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા છે.
આ બાબત ભારત સરકારને ધ્યાને આવતા સુરત સિવીલ ડિફેન્સ-સુરત કલેક્ટર ડો.ધવલ પટેલ,ડેપ્યુટી કલેકટર આર.આર.બોરડની ભલામણથી પ્રકાશ વેકરીયાનું નામ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું હતું.જેમાં દરેક પુરાવાઓ અને કામગીરીને ધ્યાને રાખતા રાષ્ટ્રપતિએ તેમના નામની ૨૫ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ જીવન રક્ષા સિરીઝ એવોર્ડ માટે ઘોષણા કરી હતી.
સિવિલ ડિફેન્સ સુરતના બાહોશ સૈનિક પ્રકાશકુમાર વેકરીયાને રાષ્ટ્રપતિ એવોર્ડમાં સ્થાન મળ્યુ તેનો ઉલ્લેખ મિનિસ્ટ્રી ઓફ હોમની વેબસાઈટ અને રાષ્ટ્રપતી એવોર્ડમાં છે.આગામી સમયમાં દિલ્લી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે જીવન રક્ષા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આગ,પાણી,અકસ્માત,ભૂકંપ કુદરતી કે અકુદરતી બનતી ઘટનાઓમાં મરતા માણસોના જીવ બચાવવામાં સફળ થયેલ વ્યક્તિને જીવન રક્ષકના બિરુદ માટે જીવન રક્ષા સિરીઝ એવોર્ડ આપવામાં આવે છે.જે ભારત દેશમાં ૨૫ મી તારીખે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ દેશના ૩૦ જેટલા ઉમદા વ્યક્તિઓને આ એવોર્ડ આપવાની જાગેરાત કરી છે. જ્યારે ગુજરાતમાં ત્રણ વ્યક્તિઓ માંથી એક પ્રકાશકુમાર વેકરીયાની પસંદગી થયેલ છે.
તક્ષશિલા અગ્નિકાંડ વખતે ૨૦૧૯ સુધી માત્ર સામાન્ય માણસ હતો.કિસાન વિકાસ સંઘ નેત્રંગનો ઉપપ્રમુખ તેમજ યુનિવર્સલ ફાઉન્ડેશનના અધ્યક્ષ સ્થાને કામગીરી કરતો હતો.સ્વિમિંગ અને આગ સામે રક્ષણ મેળવવાની બે કળા કુદરતે મને આપેલી હતી.તેનો ઉપયોગ કરી આગની અંદર ભૂલ ભરેલા વર્તન સાથે તક્ષશિલા અગ્નિકાંડમાં કુદી વિદ્યાર્થીનીઓના જીવ બચાવ્યા હતા
તેમાં સફળતા મળી હતી.પરંતુ આ ભૂલ કુદરતને મંજુર હશે એટલે મારો પણ જીવ બચી ગયો હતો.તેવા આ સાહસમાં મને પાંચ દીકરીઓ જીવતી મળી હતી આવા ઘણા બનાવોને લઈ મને આજે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે.તેમાં કિસાન વિકાસ સંઘે મને ભારોભાર વધાવ્યો હતો હું કિસાન વિકાસ સંઘના દરેક ખેડૂતોનો આભારી છું તેમ પ્રકાશકુમાર વેકારીયાએ જણાવ્યું હતું.