Western Times News

Gujarati News

કિસાન સૂર્યોદય યોજનામાં આગામી ૩ વર્ષમાં બધા ગામોમાં ખેતરોમાં દિવસે વીજળી પહોંચશે

સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ -સુશાસન દિવસ – ગુડ ગર્વનન્સ ડે ના એક જ દિવસમાં ગુજરાતમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ૧૧૨૦.૭૨ કરોડની સહાય-લાભ અર્પણ

રાજયમાં ૧૫૧ નવા ફરતાં પશુ દવાખાના કાર્યરત થયા

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં રાજયકક્ષાના કાર્યક્રમથી ૨૪૮ તાલુકા મથકોએ જોડાયેલી કિસાન-ગ્રામીણ વ્યક્તિ સાથે સેટકોમ સંવાદ સાધ્યો

 કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદી સરકારે કરેલા ક્રાંતિકારી કૃષિ સુધારાનો વિરોધ માત્ર રાજકીય રોટલા શેકવા વિપક્ષો કરે છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી સ્વ. અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસ સુશાસન દિવસે રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, કિસાનને જગતનો તાત સાચા અર્થમાં બનાવવા બે દાયકામાં આ સરકારે ખેતી સમૃધ્ધિથી ગ્રામ-શહેર-રાજય અને રાષ્ટ્ર સમૃધ્ધિની નવી દિશા દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત રાજયકક્ષાના કૃષિ કલ્યાણ કાર્યક્રમમાંથી રાજયભરના ૨૪૮ તાલુકા સ્થળોએ ઉપસ્થિત કિસાન શક્તિને સેટકોમ – માધ્યમથી સંબોધન કર્યું હતું.

તેમણે સુશાસન દિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્ય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ સહાય, જિવામૃત બનાવવા કીટ સહાય, નાના-છૂટક વેપારીઓના માલનો બગાડ અટકાવવા છત્રી વિતરણ, સ્માર્ટ હેન્ડ રૂલ કિટ્સ, તારની વાડ યોજનાની સબસિડી અને સર્વગ્રાહી કૃષિ વ્યવસાયલક્ષી સહાય પ્રતિકરૂપે લાભાર્થીઓને આર્પણ કરી હતી.

૧૦ ગામ દીઠ એક ફરતાં પશુ દવાખાનાની યોજના અન્વયે ૫૧ મોબાઇલ ડિસ્પેન્સરી વાન અને કિસાન પરિવહન યોજનામાં ૫૧ નાના ગુડઝ કરેજ વાનને મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું. રાજયભરમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કૃષિ કલ્યાણ કાર્યક્રમ અન્વયે એક જ દિવસમાં સમગ્રતયા ૧૧૨૦.૭૨ કરોડની સહાય-સાધન અર્પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪ થી ધરતીપુત્રો, વંચિતો, પીડિતો, શોષિતોને પોતીકી સરકારની અનુભૂતિ થાય તેવા સર્વગ્રાહી કલ્યાણ કાર્યો કે જ સરકારે ઉપાડ્યા છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપાની સરકારે બે – અઢી દાયકાથી કૃષિ ક્રાંતિની આગવી કેડી કંડારી છે. કૃષિ આધારિત નિતીઓ બનાવીને કિસાન કલ્યાણનો યજ્ઞ આદર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળની કોંગ્રેસી સરકારોએ ખેડૂતાને પાણી, વીજળી, બિયારણથી વંચિત રાખી જગતનો તાત, રૂએ દિન-રાત જેવી હાલત કરી નાંખી હતી. તેની દુઃખદ સ્થિતિની વાસ્તવિકતા વર્ણવી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને પ્રયાસોથી નર્મદા યોજના સાકાર થવાથી છેક કચ્છ, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દૂર સુધીના ગામોમાં ખેતી, સિંચાઇ, પીવાનું પાણી પહોચ્યું છે. આ સંદર્ભમાં તેમણે કિસાન આંદોલનના નામે મગરના આંસુ સારવા નીકળેલા પક્ષોને સવાલ કર્યો કે, ખેડૂત અને ગુજરાતનું હિત જો તેમનામાં હતું તો કેમ સાત-સાત વર્ષથી નર્મદા ડેમના દરવાજા ફિટ કરવાની મંજૂરી ના આપી ?

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીજીની સરકાર બની તેના માત્ર ૧૭  જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની પરવાનગી મળી ગઇ. કોંગ્રેસના શાસનોમાં સાત-સાત વર્ષ કેમ ગુજરાતના ખેડૂતને હેરાન-પરેશાન, બરબાદ કર્યો તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની ભા.જ.પા. સરકારે તો ઉત્તર ગુજરાતમાં સુજલામૂ- સુફલામૂ યોજના, સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી ૧૧૫ જળાશયોમાં નર્મદા જળથી ભરવાનું અભિયાન આદર્યું છે. ૭૦૦ કિ.મી. સુધી નર્મદાના નીર પહોંચાડી નેવાના પાણી મોભે ચઠાવ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સૌની યોજનાને અને પાઇપ લાઇનથી નર્મદાના પાણી આપવાની વાતને મૂંગેરી લાલ કે સપને અને પાઇપમાંથી હવા નીકળશે પાણી નહિં, તેવું કહેનારા લોકોની જ આજે હવા નીકળી ગઇ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં કે, રાજયમાં ‘હર હાથ કો કામ, હર ખેત કો પાની’ ના મંત્રને સાકાર કરે છે.

રાજયના ખેડૂતને પૂરતું પાણી, બિયારણ, ખાતર અને વીજળી આપીને જગત આખાની ભૂખ ભાંગવા સક્ષમ બનાવ્યો છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવા જવું ન પડે તે માટે કિસાન સૂયોદય યોજના શરૂ કરી છે.

તેમણે કહ્યું કે, કિસાન સૂર્યોદય યોજનામાં ૧૦૫૫ ગામોમાં ખેડૂતોને અત્યારે દિવસે વીજળી આપીએ છીએ. આગામી ૩ વર્ષમાં બધા જ ગામોને આવરી લેવાનો લક્ષ્ય છે. કિસાન દિવસે કામ, રાત્રે વિશ્રામ કરે તેવી સ્થિતિ આપણે ઉભી કરવી છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રર્વતમાન કિસાન આંદોલનમાં કૂદી પડેલા રાજકીય પક્ષો પ્રત્યે ટિપ્પણી કરતાં ઉમર્યું કે, દેશના ઇતિહાસમાં આવા ક્રાંતિકારી કૃષિ સુધારા નરેન્દ્રભાઇ મોદી સરકારે કર્યા તેમાં પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમાતું લાગ્યું એટલે વિરોધ કરવા નીકળ્યાં છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, સરકારે આંદોલનમાં જોડાયેલા પક્ષોએ ભૂતકાળમાં તેમના શાસનમાં ટેકાના ભાવે ખરીદી જ નહતી કરી.

ગુજરાતમાં આ સરકારે ૧૫ હજાર કરોડથી વધુની MSP ખરીદી કરી છે. એટલું જ નહિં, માવઠાં, વાવાઝોડા, કમોસમી વરસાદની સ્થિતિમાં કિસાનની ઉપજના નુકશાન સામે ૩,૭૦૦ કરોડનું પેકેજ આપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબ ખેડૂતોને પાક વીમાના પ્રિમીયમ ન ભરવા પડે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી બધું જ પ્રિમીયમ સરકાર આપે છે. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અન્વયે દરેક ખેડૂત પરિવારના ખાતામાં રૂા. બે હજારની સીધી બેંક ખાતામાં સહાય અન્વયે સુશાસન દિવસે એક જ દિવસમાં ગુજરાતના ૫૧.૩૪ લાખ ખેડૂતોને ૧,૦૨૭ કરોડ પ્રધાનમંત્રીશ્રીએ આપીને તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના કિસાનોને નવી દિલ્હીથી કરેલા વિડિયો સંબોધનનું પ્રસારણ મહાત્મા મંદિરના મુખ્ય કાર્યક્રમ સહિત રાજયમાં ૨૪૮ સ્થળોએ ઉપસ્થિત સૌ એ નિહાળ્યું હતું. કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી મનીષ ભારદ્વાજે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, કૃષિક્ષેત્રે ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે, ત્યારે આજે આ વર્ષથી રાજયની કૃષિલક્ષી માટે આગવી ભૂમિકા અદા કરશે.

તેમણે ઉમેર્યું કે, રાજયના ૨૪૮ તાલુકાઓમાં સેટ કોમના માધ્યમથી કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે એ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને સૌ મંત્રીમંડળના સભ્યોનું સ્વાગત કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળે તે માટે છેલ્લાં ચાર વર્ષમાં ૧૫, ૯૦૦ મેટ્રિક ટન જથ્થો ટેકાના ભાવે ખરીદી કરી છે, સાથે સાથે સતત વીજ પુરવઠો, પાણી, સિંચાઇ તથા બાગાયતી યોજનાના લાભો આપ્યા છે.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, કૃષિ – સહકાર સચિવ શ્રી નલીન ઉપાધ્યાય, કૃષિ નિયામક શ્રી ભરત મોદી, પશુપાલન નિયામક શ્રીમતી ફાલ્ગુનીબહેન,ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દુહાન સહિત વરિષ્ઠ અધિકારીઓ અને લાભાર્થી ખેડૂતો આ વેળાએ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.