કુંભ મેળામાં ગયેલા ગુજરાતના શ્રધ્ધાળુઓનાં બનાસકાંઠાની બોર્ડર પર કોરોના ટેસ્ટ શરૂ કરાયાં
(માહિતી બ્યુરો પાલનપુર) : રાજયમા કોરોનાનું સંક્રમણ અટકે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરી રહ્યુ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગઇકાલે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે હાલ કુંભનો મેળો ચાલી રહ્યો છે
ત્યારે કુંભ મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે પરત ગુજરાત આવે ત્યારે તેમને તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં. પરંતું કુંભના મેળામાં ગયેલા શ્રદ્ધાળુઓ જયારે ગુજરાત પરત ફરે ત્યારે તે તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે અને ટેસ્ટીંગ દરમિયાન કોઈ યાત્રિક સંક્રમિત હોય તો તેમને ૧૪ દિવસ સુધી આઈસોલેશનમાં અલગ રાખવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે. કુંભ મેળામાં ગયેલા શ્રધ્ધાળું આ જિલ્લામાં પ્રવેશ કરે ત્યારે જિલ્લાની તમામ બોર્ડરો પર આવા શ્રધ્ધાળુંઓને અલગ તારવી તેમના કોરોના ટેસ્ટ કરવાનું આરોગ્યના કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
દાંતીવાડા તાલુકાની ગુંદરી બોર્ડર પર પણ કુંભ મેળામાં ગયેલા શ્રધ્ધાળુંઓનું ટેસ્ટીંગ કરી જે શ્રધ્ધાળુંનો રિપોર્ટ નેગેટીવ આવે તેમને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેનાથી ગુજરાતમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે.