કુખ્યાત ગેંગસ્ટર અતિકને સાબરમતી જેલમાં લવાયો
અમદાવાદ, ઉત્તરપ્રદેશમાં રિયલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમહને આજે વિમાન દ્વારા વારાણસીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અતિકને સાબરમતી સેન્ટ્રલ જેલમાં હાઈસિક્યુરીટીમાં ભારે લોખંડી સુરક્ષા વચ્ચે રાખવાની વ્યવસ્થા કરાઇ છે. અતિકને અમદાવાદ લાવવાના પગલે એરપોર્ટ અને જેલની બહાર સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
આજે સવારે ફ્લાઇટમાં તેને વારાણસીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સાંસદ અને ગેંગસ્ટર એવા અતિક અહેમદના સાગરીતોએ મોહિત નામના વેપારીનું અપહરણ કરી લીધું હતું. બાદમાં તેને દેવરિયા જેલમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. રિવોલ્વર બતાવી પાંચ કંપનીની માલિકીનો હક પણ બે યુવકના નામે કરાવી લીધો હતો. અપહરણની અને મારામારીની ઘટના અંગે સીબીઆઈને તપાસ સોપાઈ હતી અને સુપ્રીમકોર્ટે આ કેસની ગંભીરતાથી નોંધ લઇ અતિક એહમદને નૈની જેલમાંથી ગુજરાતની જેલમાં ખસેડવા આદેશ કર્યો હતો.
અતિક અહેમદનું ઉત્તરપ્રદેશમાં બહુ મોટું નેટવર્ક છે. તેની સામે ૧૦૯ ગુના નોંધાયા છે અને તેની ગેંગમાં ૧૨૧ લોકો કામ કરે છે. ઉત્તરપ્રદેશની કોઈપણ જેલમાં જાય ત્યાં તેનું મોટું નેટવર્ક હોય છે અને તે જેલમાં આરામથી ખંડણી અને અપહરણ જેવા ગુનાને અંજામ આપે છે. અતિક અહેમદને આજે ગુજરાતમાં સાબરમતી જેલમાં લાવતા પહેલા શુક્રવારે અધિક ગૃહ સચિવ એ.એમ. તિવારી, જેલના વડા મોહન ઝા સહિતના અધિકારીઓએ સાબરમતી જેલની મુલાકાત લીધી હતી. કુખ્યાત ગેંગસ્ટર અતિકને જેલમાં રાખવા બાબત અંગેની ચકાસણી કરી હતી. ત્યારબાદ આજે તેને અહીં લાવવામાં આવ્યો હતો અને હાઇસિકયુરીટી વચ્ચે તેને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.