કુટુંબી ભત્રીજાએ બે સંતાનની માતાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું

Files Photo
બોડેલી: બોડેલી તાલુકાના સાગદ્રા ગામે રહેતી બે સંતાન ધરાવતી પરિણીત મહિલા પર કુટુંબી ભત્રીજાએ નજર બગાડીને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતાં બોડેલી પોલીસે ૩૭૬ની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સાગદ્રા ગામે ઘરકામ કરતી પરિણીત મહિલા મોડી સાંજે જ્યારે પોતાના મકાન પર કપડાં સૂકવતી હતી. ત્યારે નજીકમાં રહેતો કાકા સસરાના છોકરાનો છોકરો વિજય ત્યાં આવી ચડ્યો અને મહિલાને બાથમાં ભરી લીધી હતી. મહિલાએ બૂમાબૂમ કરી હતી. યુવક મહિલાનું મોઢું દબાવી દઈ ઘર પાસે આવેલી અડારીમાં બળજબરીપૂર્વક ખેંચી લઈ ગયો અને ધમકી આપીને મરજી વિરુદ્ધનું કામ કર્યું હતું. એ વખતે મહિલાની દેરાણી આવી જતાં યુવક વિજય ભાગી છૂટયો હતો.
દેરાણીએ પીડિત મહિલાના પતિ અને તેના પતિ બંનેને બોલાવી જાણ કરી હતી. અગાઉ પણ ચારેક વખત વિજયે આવું કૃત્ય કર્યું હતું, પણ કુટુંબી યુવક અને સમાજમાં ઈજ્જતને લીધે સમાધાન કર્યું હતું. ત્રણેક દિવસ અગાઉ બનેલા બનાવને લઇને આ વખતે સમાધાન ન થતાં છેવટે પીડિત મહિલાએ બોડેલી પોલીસ મથકે જઈને બળાત્કારની ફરિયાદ નોંધાવતાં આરોપી યુવકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.