બાળકોમાં કુતુહલ એ જ્ઞાનનું બીજ, ફેરફારને સંપૂર્ણ પણે જાણવાની જીદ
કુતુહલ એટલે કોઈ પણ પરિસ્થિતિ કે તેમાં થતાં ફેરફારને સંપૂર્ણ પણે જાણવાની જીદ. બાળકનું મગજ એક કોરી સ્લેટ જેવું હોય છે, તેને મન દરેક વસ્તુ કે પરિસ્થિતિ નવીન અને પ્રથમ અને હોય છે .
નવા વાતાવરણમાં પ્રવેશતા જ હજારો પ્રશ્નોથી બાળકનું મન છલકાવા લાગે છે .કેમ ,ક્યારે અને ક્યાં સુધી ….આવા વિચારોમાં બાળક અટવાઈ જાય છે .
નવું નવું જાણવાની ભૂખ એટલે ‘કુતુહલ’ . આજ પ્રકૃતિ બાળકને જ્ઞાન પિપાસુ બનાવે છે .બાળકની વિચારશક્તિ ને વધુ મજબૂત અને દિશાસૂઝ સભર બનાવે છે .
જયારે જયારે બાળક કોઈ પણ સ્થિતિને સમજીને પોતાના શબ્દોમાં માતા -પિતાને અતરંગી સવાલો પૂછે છે …..ત્યારે એને સરળ શબ્દોમાં કશું છુપાવ્યા વગર કહેવું એ આવડત બહુ ઓછા માતા -પિતામાં હશે , એવું મારુ માનવું છે .
બાળક સાથે ક્વોલિટી સમય વિતાવવો એ પણ અઘરું તો છે જ .બાળકના મનમાં સળવળતા સવાલો એ ભલે એના શરીરની રચના વિષે હોય કે પછી એના અભ્યાસ માંથી ઉદભવેલા પ્રશ્નો હોય….એનું સમાધાન કરવા માતા -પિતા એ પણ પૂર્વતૈયારી કરવી જાેઈએ .
માતા -પિતા માટે બાળકના દરેક સવાલોના જવાબ આપવા એ એક ટાસ્ક થી ઓછું નથી .બાળકના દરેક સવાલોના જવાબ ક્યારેક માતા -પિતા પાસે ના હોય ત્યારે એને ખોટી માહિતી આપી
ક્યારેય એને ટાળી ના દેવું .આવા સમયે હું તને થોડાક સમય પછી વિગતે સમજાવીશ એવું કહી શાંત કરવું .સાચી માહિતી મેળવીને બાળકના દરેક સવાલોનો જવાબ અચૂક આપવો ,જેથી બાળકને માતા -પિતા પરનો ભરોસો ટકી રહે .
બાળક ઘણાં સવાલો પૂછે એ સામાન્ય છે ,સવાલો ના પૂછે એ જ અસામાન્ય છે . આ વિષયમાં ‘ચાઈલ્ડ સાયકોલોજી’ કહે છે ,
બાળકના જેટલા વધુ સવાલો એટલી જ બાળકની વિચારશક્તિ દ્રઢ અને નાવીન્યપૂર્ણ .
આધુનિક યુગમાં જયારે માહિતી મેળવવાના અઢળક સ્ત્રોત્ર હોય ત્યારે બાળકને સાચા અને ખોટાનો ભેદ દર્શાવવો પણ એટલો જ જરૂરી છે .
બાળક સાથે બાળક બનીને વર્તશો તો એના દરેક કુતુહલનું સુપેરે સમાધાન કરી શકશો .કારણકે …‘કુતુહલ એ જ્ઞાનનું બીજ છે.’ કરડાઈ ભર્યું વર્તન અને વારંવાર ટોકતા રહેવાની ટેવ બાળકના વિકાસને રૂંધી નાખશે .
એટલે એવી ભૂલ ક્યારેય ન કરવી . બાળકના વિકાસ માટે પ્રેમ આવશ્યક છે ,પરંતુ તેમાં વિકાસ સિવાય બીજા કશા બદલાની અપેક્ષા ન હોવી જાેઈએ . બાળકને તેની આસપાસની દુનિયા વિષે જાણવાનો પુરેપુરો અધિકાર છે અને એને સંતૃષ્ટ કરવું એ આપણી ફરજ.