કુદરતી આપત્તિમાં ખેડુતોને સહાયરૂપ થવા બધા પ્રયાસ
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સર્વજન હિતાય, સર્વજન સુખાય એ અમારી સરકારનું લક્ષ્યી છે. અમે ખેડૂતો, ગરીબ, મધ્યામ વર્ગોને જરૂરિયાત મુજબ લાભ પહોંચાડીએ છીએ એટલે આ પૂરક માંગણીઓ લાવ્યા છીએ. આજે વિધાનસભા ખાતે અંદાજપત્ર પરની પૂરક માંગણીઓ સામેની વિપક્ષની કાપ દરખાસ્તોને પાછી ખેંચાય તેવી અપીલ કરતાં નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યુ કે, વૈધાનિક પરંપરા મુજબ વિભાગવાર બજેટ મંજૂર થયા બાદ નાગરિકોને સહાયરૂપ થવા માટે આ વધારાનો ખર્ચ કરાયો છે. તેમણે ઉમેર્યું કે, કુદરતી આપત્તિ એ આપણા હાથની વાત નથી.
ચાલુ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ, વાવાઝોડું તથા વધુ પડેલા વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે સહાયરૂપ થવા માટે રાજ્યના ઇતિહાસમાં ક્યારેય ન આપ્યું હોય એવું ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ ગુજરાતે જાહેર કર્યું હતું. તેમજ બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં તીડ આક્રમણમાં પણ સહાય પેકેજ આપ્યું હતું. જેના કારણે કૃષિ વિભાગમાં આ વધારાનું ખર્ચ થયું છે. પટેલે ઉમેર્યું કે, એ જ રીતે આરોગ્ય ક્ષેત્રે નાગરિકોને વધુ સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે આ ક્ષેત્રે પણ વધુ ખર્ચ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ૫૩૦થી વધુ દવાઓ નાગરીકોને વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
આ દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. આઉટ ર્સોસિંગના કર્મીઓને પણ પૂરતું વેતન મળે એવી તકેદારી રાખી રહ્યા છીએ. સાથે-સાથે ડોક્ટરોને ૬૦ હજારનો પગાર તથા મૂળ પગારના ૨૫ ટકા જેટલુ એનપીએ સહિત વધારાના એલાઉન્સ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજનાના કાર્ડ પણ હવે ઘરે ઘરે પહોંચાડી દઇને નાગરિકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.