કુદરતી આપદાઓના કારણે એક વર્ષમાં જગતને 140 અબજ ડોલરનું નુકસાન, એશિયા પર સૌથી વધુ આફત
નવી દિલ્હી, વર્ષ 2020 દરમિયાન પર્યાવરમીય આફતોથી જગતને કેટલું નુકસાન થયું એ અંગેનો કાઉન્ટિંગ ધ કોસ્ટ – અ યર ઓફ ક્લાઈમેટ બ્રેકડાઉન રજૂ થયો છે. એ પ્રમાણે વર્ષ દરમિયાન ભારતમાં આવેલા આક્રમક પુરથી દેશને અંદાજે 10 અબજ ડૉલર (અંદાજે રૂપિયા 735 અબજ) નું નુકસાન થયુ છે.
આ નુકસાન સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળેલી વિવિધ પર્યાવરણીય આફતોના આધારે નહીં, પણ સૌથી મોટી પર્યાવરણીય આફતના આધારે તૈયાર થયું છે. જેમ કે ભારતમાં 10 અબજ ડૉલરનું નુકસાન છે, એ માત્ર પુરને કારણે થયું છે. એ સિવાયની ગણતરી કરીએ તો આંકડો ક્યાંય પહોંચે.
આ દસમાંથી પાંચ આફત તો એકલા એશિયામાં અસાધારણ ચોમાસાને કારણે જોવા મળી હતી. આ વખતે ચોમાસું ખુબ લાંબુ ચાલ્યુ એ સૌ જાણે છે. વરસાદ આવે એ અનિવાર્ય છે, પરંતુ વરસાદ આવ્યા જ કરે તો તેનાથી મોટુ નુકસાન થાય અને ભારતને તો થઈ જ રહ્યુ છે. આ વર્ષની મુખ્ય આફતમાં પુર, દાવાનળ, હેરિકેન.. વગેરેનો સમાવેશ થાય છે.
અમેરિકાના કાંઠે આ વર્ષે 2005 પછી સૌથી વધારે વાવાઝોડા ત્રાટક્યા હતા. તેનાથી અમેરિકાને 40 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. દસમાંથી નવ આફત એવી છે, જેનું બિલ 5 અબજ ડૉલર કે તેનાથી વધારે આવ્યુ છે.
આ રિપોર્ટમાં મોટે પાયે નુકસાન કરનારી ક્લાઈમેટ દુર્ઘટનાઓ ધ્યાને લેવાઈ છે. બાકી તો સુદાનમાં આવેલું પુર, રશિયાના સાઈબિરિયામાં હિટવેવ, દક્ષિણ અમેરિકાના જંગલોની આગ, ફિલિપાઈન્સમાં ઉપરાઉપરી ત્રાટકેલા બે વાવાઝોડા અને વિએટનામમાં આવેલું પુર પણ અકલ્પનિય આફતો હતી. પરંતુ તેનાથી આર્થિક નુકસાન ઓછું થયું છે.
ભારતમાં વિવિધ રાજ્યો વર્ષભર વિવિધ આફતોનો સામનો કર્યો હતો, જેમાંથી કેટલીક અકલ્પનિય હતી. જેમ કે હૈદરાબાદમાં 24 કલાકમાં 30 ઈંચ જેવો અસાધારણ વરસાદ પડયો હતો. તો વળી કેરળમાં એક જ સ્થળે ભુસ્ખલ થવાથી 49ના મોત થયા હતા. પુરથી હજારો નાગરિકો બેઘર થયા હતા. પર્યાવરણ સંરક્ષણની વાતો અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે, માટે આ પ્રકારના નુકસાનો અટકાવવા મુશ્કેલ છે.