કુન્નુર દુર્ઘટનામાં શહીદ વધુ છનાં મૃતદેહ ઓળખાયા

નવી દિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતની સાથે કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ૬ વધુ બહાદુરોના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. બાકીની ઓળખની પ્રક્રિયા ચાલુ છે. જે બહાદુરોના મૃતદેહોની ઓળખ થઈ છે તેમને તેમના વતન મોકલતા પહેલા બેઝ હોસ્પિટલ, દિલ્હી કેન્ટમાં ફુલો સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
જે છ શહીદોના શબની ઓળખ કરવામાં આવી છે તેમાં જુનિયર વોરંટ ઓફિસર પ્રદીપ અરક્કલ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, જુનિયર વોરંટ ઓફિસર રાણા પ્રતાપ દાસ, લાન્સ નાયક બી.
સાઈ તેજા, સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહ અને લાન્સ નાયક વિવેક કુમાર સામેલ છે. તેમના પાર્થિવ દેહને દિલ્હીથી વિશેષ ફ્લાઇટ દ્વારા મોકલવામાં આવશે અને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વાયુસેનાએ કહ્યું કે અકસ્માતમાં શહીદ થયેલા તેમના તમામ અધિકારીઓના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે.
આ પહેલા શુક્રવારે સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને સીડીએસ રાવતના સંરક્ષણ સહાયક બ્રિગેડિયર એલએસ લિડ્ડરના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કુન્નુર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હાલત હજુ પણ નાજુક છે પરંતુ સ્થિર છે. તેમના સ્વાસ્થ્ય માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.
કુન્નુર દુર્ઘટનામાં શહીદ થયેલા શહીદોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, હવાલદાર સતપાલ રાય, નાયક ગુરસેવક સિંહ અને નાયક જિતેન્દ્ર કુમારનો પણ સમાવેશ થાય છે. તેમના પાર્થિવ દેહને બેઝ હોસ્પિટલ, દિલ્હી કેન્ટમાં રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેમની પણ ઓળખ થઈ જશે.SSS