Western Times News

Gujarati News

કુપોષણ સામે લડવા ગુજરાતની ૫૩૦૨૯ આંગણવાડીઓ ડિજિટલ બનશે

પ્રતિકાત્મક

પોષણ ટ્રેકર એપ્લીકેશન દ્વારા ૪૬ લાખ લાભાર્થીઓની દેખરેખ- ટ્રેકર ડેશબોર્ડ પર ૯૯.૯૯ % આંગણવાડી કાર્યકરો કાર્યરત

દેશના તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવા, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણ અને આરોગ્ય અંગેનું શિક્ષણ, પૂર્વ પ્રસૂતિ સેવાઓ,

જોખમી સગર્ભા માતાઓને ઓળખીને તેને સંદર્ભિત સેવાઓ પૂરી પાડવા તેમજ વાલીઓમાં કુપોષણ અંગે જાગૃતિ લાવવા જેવી સેવાઓ આપવા માટે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાથે પોષણ ટ્રેકર દ્વારા ડિજિટલી રીતે તમામ જીલ્લાની સ્થિતીની સમીક્ષા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

દરેક આંગણવાડીમાં ડિજિટલ ટ્રેકિંગ

પોષણ અભિયાન અંતર્ગત ૧૧ જેટલા રજીસ્ટરોના સ્થાને ૫૩,૦૨૯  આંગણવાડીમાં સ્માર્ટફોન સુવિધા પુરી પાડીને તામામ કામગીરી સ્માર્ટફોન દ્વારા ડિજિટલી રીતે કરવામાં આવે છે. તમામ આંગણવાડી કાર્યકરોના સ્માર્ટફોનમાં પોષણ ટ્રેકર એપ્લીકેશન ડાઉનલોડ થયેલ છે. જેમાંથી પોષણ ટ્રેકર ડેશબોર્ડ પર ૯૯.૯૯% આંગણવાડી કાર્યકરો કાર્યરત છે

અને રજીસ્ટર થયેલ અંદાજીત ૪૬ લાખ લાભાર્થીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દરેક આંગણવાડી કાર્યકર દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોના વિકાસ-વૃદ્ધિની દેખરેખ કરવા માટે પોષણ અભિયાન અંતર્ગત બાળકો તથા માતા માટે ઉંચાઇ અને વજન માપવાના સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. જેના દ્વારા આંગણવાડી કેન્દ્રો પર હાલમાં પોષણ ટ્રેકર ડેશબોર્ડ મુજબ અંદાજીત ૯૯% ગ્રોથ મોનિટરીંગ કરવામાં આવે છે.

રાજ્યભરમાં કુલ ૨૯,૯૧,૫૧૭ મંગળ દિનની ઉજવણી

કોઈ પણ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની ભાગીદારી ખુબજ જરુરી હોય, પોષણ અંગે લોકજાગૃતિ કેળવવા અને લોકોને પોષણનું મહત્વ સમજાવવા માટે જન આંદોલન સ્વરૂપે આંગણવાડી કક્ષાએ મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં પોષણ અભિયાનના કુલ ૨૯,૯૧,૫૧૭ મંગળ દિનની ઉજવણી (સીબીઇ) કરવામાં આવી છે. પોષણ અભિયાન અંતર્ગત ઑગસ્ટ, ૨૦૧૮થી પ્રથમ અને ત્રીજા મંગળવારે CBE (Community Based Event)ની ઉજવણી કરવામાં આવે છે.

પ્રથમ મંગળવાર-સુપોષણ સંવાદ : આંગણવાડી કક્ષાએ  ગર્ભવતી મહિલાની સીમંત વિધિ તથા સન્માન, માતૃમંડળ ગ્રુપનું આયોજન જેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.

ત્રીજા મંગળવારે-અન્નપ્રાશન: જે દિવસે બાળકોને છ માસ પૂરા થયા હોય ત્યારથી વિધિવત રીતે ઉપરી આહારની શરૂઆત કરાવવામાં આવે છે તથા તેમના વાલીઓને ઉપરી આહારની યોગ્ય સમજ પણ આપવામાં આવે છે. વધુમાં પોષણ સ્તરમાં સુધારો કરવા  માટે  લોક સમુદાયમાં જાગૃતિ લાવવાના હેતુસર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ માહ તેમજ માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.