કુબેરનગરમાં પાણીની લાઈનનું રીપેરીંગઃ ત્રણ દિવસથી નાગરીકોને પાણી મળ્યું નથી
અમદાવાદ, શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તાની બગડેલી હાલતમાં હજુ સુધી કોઈ ખાસ સુધારો થયો નથી. રોડ રીપેરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે પરંતુ દિવાળી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે લોકોને ખાડા ટેકરાવાળા રસ્તાઓથી જ કામ ચલાવવું પડે તેવું લાગી રહ્યુ છે. હજુ પણ શહેરના આંતરીક રસ્તાઓ પર કોઈ જ કામગીરી થઈ નથી. આ ઉપરાંત શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી અને ગટર લાઈનની રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે જેને લીધે રસ્તા પર મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે તેમજ આવા રસ્તાઓ પર ટ્રાફિક થવાથી નાગરીકોને ભારે મુશ્કેલી થાય છે.
શહેરના કુબેરનગર વોર્ડમાં આવેલા બંગલોમાં અમુલ પાર્ક પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ હતી તેને માટે કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ હવે પાણીની લાઈન રીપેર થયા બાદ ગટરની લાઈન રીપેરીંગનું કામ ચાલુ થયું છે. જેને કારણે આસપાસના લોકોને છેલ્લા ત્રણ દિવસથી પાણી મળ્યું નથી.
પાણીની લાઈન કે ગટરની લાઈન રીપેર થયા બાદ લોકોને દિવાળી પહેલાં પાણી મળશે કે નહિં તે હજુ પ્રશ્ન છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થાય ત્યારે નાગરીકોને જાણ થતી નથી કે આ કામ કેટલાં દિવસ ચાલશે. પાણીની લાઈન રીપેર થઈને ચાલુ થતાં હજુ કેટલાં દિવસ લાગશે તે અંગે હજુ પણ પ્રશ્નાર્થ છે.