Western Times News

Gujarati News

કુબેરનગરમાં વ્યંઢળની હત્યાઃ ચાર હથિયારધારી શખ્સોએ કરેલો હુમલો

મોડી સાંજે ચાર હથિયારધારી શખ્સોએ જાહેર રોડ પર જ કરેલો હુમલોઃ ઈજાગ્રસ્ત મુખ્ય સુત્રધારને ગણતરીની મીનીટોમાં જ ઝડપી લેવાયો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની  પરિસ્થિતિ  વચ્ચે ઠેરઠેર હત્યા અને હત્યાના પ્રયાસોની ઘટનાથી નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે. શહેરમાં રોજ બનતી આવી ઘટનાઓથી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે અનેક વિસ્તારોમાં કેટલીક ગેંગો અસામાજિક પ્રવૃતિઓ આચરી રહી છે ત્યારે બીજીબાજુ નાની નાની બાબતોમાં સશ† હુમલાઓ કરવામાં આવી રહયા છે.

શહેરના અમરાઈવાડી, ખોખરા, સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારો હવે ગુનાખોરીનો અડ્ડો બની ગયો હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. કેટલાક વિસ્તારોમાં સાંજ પડતા જ નાગરિકો ઘરની બહાર નીકળતા ડરી રહયા છે આ પરિસ્થિતિમાં  શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન હેઠળના કુબેરનગરમાં ગઈકાલે મોડી સાંજે એક વ્યઢળની ચાર જેટલા શખ્સોએ ક્રુરતાપૂર્વક હત્યા કરી નાંખતા સનસનાટી મચી ગઈ છે. મૃતકે પ્રતિકાર કરતા મુખ્ય સુત્રધારને પણ ઈજા પહોંચી હતી જેના પગલે પોલીસે ગણતરીની મીનીટોમાં જ તેને ઝડપી લીધો છે જયારે અન્ય ચાર શકમંદોની પણ અટકાયત કરી પુછપરછ કરવામાં આવી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે. આ વિસ્તારમાં અવારનવાર દારૂની બદીને ડામી દેવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવે છે તથા પોલીસનું સતત પેટ્રોલીંગ પણ યથાવત રીતે રાખવામાં આવી રહયું છે તેમ છતાં આ વિસ્તારમાં ગુનાખોરીનો આંક વધી રહયો છે.

સરદારનગર પોલીસ સ્ટેશન હેઠળના કુબેરનગરમાં ભાર્ગવ રોડ પર આવેલા અમરાજી નગરમાં રહેતા પુષ્પાબેનનો ભાઈ મુકેશ ઉર્ફે મુમતાઝ ઉર્ફે મમતા ગઈકાલે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ નોબલનગરમાં વાલ્મિકી  આવાસ યોજનાની બહાર ઉભા હતા આ દરમિયાનમાં કેટલાક શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતાં.

વાલ્મિકી  આવાસ યોજનાની બહાર ઉભેલા મુકેશ ઉર્ફે મુમતાઝ કશું સમજે તે પહેલા જ ટોળાએ મુકેશને ઘેરી લીધો હતો અને હુમલો કરવા લાગતા મુકેશે પણ આ ચારેય શખ્સોનો પ્રતિકાર કર્યો હતો જેના પરિણામે મારામારી થતાં ઉશ્કેરાયેલા ચારેય શખ્સો વધુ હિંસક બન્યા હતાં જેના પગલે નાસભાગ મચી ગઈ હતી આ દરમિયાનમાં હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો કાઢી મુકેશ પર તૂટી પડયા હતા અને આખા શરીરે તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો આ ઘટનાથી લોકોનું મોટુ ટોળુ ભેગુ થઈ ગયું હતું.

બીજીબાજુ લોકો એકત્ર થઈ જતાં હુમલાખોરો ભાગી છુટયા હતાં આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી પહોચી હતી એમ્બ્યુલન્સના ડોકટરે તપાસ કરતા મુકેશનું સ્થળ પર જ મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું. સ્થળ પર આવી પહોંચેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપતા પુછપરછ કરતા કેટલાક શંકમદોના નામો જાણવા મળ્યા હતાં.

જાહેર રોડ પર જ વ્યઢળની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા માટે જુદી જુદી જુદી ટીમો બનાવી હતી અને ગણતરીની મીનીટોમાં જ ચાર જેટલા શકમંદોની અટકાયત કરી પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શકમંદોની પુછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે મુખ્ય સુત્રધાર તરીકે અજયનું નામ ખુલ્યુ હતું મૃતક મુકેશે કરેલા પ્રતિકારમાં મુખ્ય આરોપી અજય ભરતભાઈ નાડિયાને પણ ઈજાઓ થઈ હતી.

તેથી પોલીસે તાત્કાલિક અજયને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ગણતરીની મીનીટોમાં તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી અજય નોબલનગરમાં આવેલા ઈન્દિરાનગરમાં  રહે છે. ઝપાઝપીમાં તેને પણ ઈજા થઈ હોવાથી પોલીસે તેને ઝડપી લીધા બાદ હોસ્પિટલમાં  સારવારઅર્થે ખસેડયો છે. પોલીસ બંદોબસ્ત હેઠળ તેને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર પૂર્ણ થયા બાદ તેની પુછપરછ આજ સવારથી શરૂ કરવામાં આવી છે. ક્રુરતાપૂર્વક મુકેશ ઉર્ફે મુમતાઝની હત્યા કરવાની ઘટના પાછળનું કારણ જાણવા સરદારનગર પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરતા કેટલીક વિગતો જાણવા મળી છે. હાલમાં અજયની ધરપકડ કરી તેને કોર્ટમાં  રજુ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.