કુમકુમ મંદિર ખાતે મંગળવારે ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી
રંગબેરંગી ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો અને ફુલો દ્રારા સંતો ભકતો ઉપર છંટકાવ કરીને ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી.
કોરોના વાયરસની સાવધાનીના ભાગરુપે કુમકુમ મંદિર ખાતે રંગોના બદલે રંગબેરંગી ફુલોથી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી.
શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા.૧૦ માર્ચ ને મંગળવાર ના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ રંગબેરંગી ફૂલોથી અભિષેક કર્યો હતો અને ત્યારબાદ ઈલેકટ્રીક મશીન ના માધ્યમથી ફુવારા દ્રારા ફુલની વર્ષા કરી હતી. અને તે પ્રસાદીભૂત ફુલોનો છંટકાવ સંતો – હરિભકતો ઉપર કર્યો હતો.
આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાયા હતા અને ઔચ્છવ કરવામાં આવ્યો હતો. અંતમાં સૌને ધાણી – ખજૂર – ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ ફુલદોલોત્સવ – રંગોત્સવ અંગે જણાવ્યું હતું કે, ‘ફૂલદોલોત્સવ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.
સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ ‘ફુલદોલોત્સવ’ ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસુડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભકતો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાળી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે.તેથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ- મણિનગર ખાતે પણ આ ઉત્સવની ઉજવણી છેલ્લા ૩૦ વર્ષથી કરવામાં આવે છે.
ધુળેટીને ફુલદોલોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રૈવતાચળ – ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિધ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો.આમ, ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ