કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રીની ૧૯૪મી જયંતીની ઉજવણી કરવામાં આવી
સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે શિક્ષાપત્રીના ર૧ર શ્લોકો -ર૧ર કાગળમાં લખીને તેનો હાર બનાવીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાવવામાં આવ્યો.
અમદાવાદ: તા. ૩૦-૧-ર૦ર૦ ને ગુરુવારે વસંતપંચમીના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૪ મી જયંતી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં આવી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી સામાન્ય રીતે ૩ X૩ ઈંચની હોય છે, પરંતુ કુમકુમ મંદિરમાં જે હાલ શિક્ષાપત્રી મૂકવામાં આવેલી છે. તે રંગીન સચિત્રો સાથેની ૧૨X૧૮ ઈંચ ધરાવતી શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું.
શિક્ષાપત્રીની વિશિષ્ટતા એ છે કે, આ શિક્ષાપત્રીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને જે સંદેશો પાઠવ્યો છે. તે રંગીન ચરિત્રો સાથે દર્શાવામાં આવેલા છે. સાથે – સાથે આ શિક્ષાપત્રી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આલેખવામાં આવેલા છે. જેથી આજના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ તે વાંચી અને વિચારી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે.
શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહા સુદ પંચમીના રોજ સંવત ૧૮૮૨ માં વડતાલમાં કરી હતી. જેની અંદર કુલ ર૧ર શ્લોકો છે. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અભૂતપૂર્વ અલૌકિક બંધારણ. : શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી આદી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ શિક્ષાપત્રી ઉપર ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા છે કે, “આ જે શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.”
શિક્ષાપત્રી એટલે “શિક્ષા” એટલે હિતનો ઉપદેશ અને “પત્રી” એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. ‘મનુષ્યોને પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન આપતી માર્ગદર્શિકા.’
અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં મુંબઈના ગર્વનર સર જ્હોન માલ્કમને તા. ર૬ – ર – ૧૮૩૦ ના રોજ ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવેલી છે. આમ, શિક્ષાપત્રી ગ્રંથ ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને સારાય સારાય વિશ્વમાં ફેલાયેલી છે.