કુમકુમ મંદિર ખાતે 435 દિવસે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પધાર્યાં
જીવનમાં સુખી થવું હોય તો ભૂતકાળ ને ભૂલતા શીખવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી
તા. ૮ – ૮ – ર૦ર૧ ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર મણિનગરના ૧૦૦ વર્ષીય મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ૪૩૫ દિવસ પછી મંદિર પધાર્યાં તેના કારણે સંતો – સત્સંગીઓ આનંદ પામ્યા હતા અને જીવનપ્રાણ શ્રી અબજીબાપાની વાતોની રપ પારાયણ કરવામાં આવી હતી અને કથામૃતનું પાન શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ કરાવ્યું હતું અને કીર્તન ભક્તિ યોજાઈ હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કોરાના વાયરસના કારણે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સ્વાસ્થ્યના હિતને ઘ્યાનમાં રાખીને તેઓશ્રી કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે નિવાસ કરીને રહ્યાં હતા. તેઓ શ્રી ૪૩૫ દિવસે પાછા કુમકુમ મંદિર મણિનગર ખાતે પધાર્યાં હતા.હવે સંતો હરિભક્તોને તેમના દર્શન સમાગમનું સુખ પ્રાપ્ત થશે એટલે સૌ આનંદિત થયા હતા. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સંતની દીક્ષા ગ્રહણ કરી તેને ૭૯ વર્ષ થઈ ગયા છે.
સત્સંગ પ્રચાર અર્થે તેઓ લંડન, અમેરકા, કેનેડા,દુબઈ,નાઈરોબી અનેક વખત પધાર્યા છે.પરંતુ મંદિરથી બહાર સૌ પ્રથમ વખત તેમને ૪૩૫ દિવસ નિવાસ કરવાનું કોરોના વાયરસના કારણે બન્યું હતું. આપણે સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, કોરાના વાયરસની ત્રીજી લ્હેર થકી સૌની રક્ષા કરે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, જીવનમાં સુખી થવું હોય તો ભૂતકાળ ને ભૂલતા શીખવું જોઈએ.
આપણા રોજીંદા જીવનમાં દિવસની શરૂઆતથી રાત સુધીમાં અનેક સારી અને ખરાબ નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. પરંતુ દિવસના અંતે આપણને એ બધી જ ઘટનાઓ શું યાદ રહે છે ? ના.
દિવસ દરમ્યાન જે કાંઈ અણધાર્યું કે અણગમતું બન્યું હોય છે તે આપણને રાત્રે સૂતાં પહેલા બેચેન બનાવી દે છે,એ આપણ સહુને અનુભવ છે. આપણે જીવનમાં સુખી થવું હોય તો સારા પ્રસંગો અને સારી વ્યકિતઓને યાદ રાખવા જોઈએ અને ખરાબ પ્રસંગો અને ખરાબ વ્યક્તિઓને ભૂલી જવા જોઈએ.
જો દરેક વ્યક્તિઓને,દરેક પ્રસંગોને યાદ રાખીશું તો, આપણને જે વ્યક્તિઓ સાથે ખરાબ પ્રસંગોના કારણે પૂવાગ્રહ બંધાઈ ગયો હશે તો આપણે તે વ્યક્તિ પ્રત્યે તેવું ખરાબ વર્તન કરીશું અને આપણે બેચેન બની જઈશું,આપણો આનંદ છીનવાઈ જશે.પરંતુ આપણે ભૂતકાળમાં જે અનુભવ થયો હોય એ વાતને માઈન્ડ ઉપર જ ના લઈએ અને પછી એ વ્યક્તિને મળીએ તો આપણું વર્તન એ વ્યક્તિ સાથે પણ સારું રહેશે. તેથી સુખી થવાનો એ જ ઉપાય છે કે, ખરાબ પ્રસંગોને ભૂલી જવા જોઈએ, તેનું ચિંતવન ના કરવું જોઈએ.ચિંતવન કરવું જ હોય તો સારી વસ્તુનું અને સારા માણસોનું કરવું જોઈએ.
આજના યુગ પ્રમાણે મોટા ભાગના માણસો મોબાઈલ ફોન નિત્ય વાપરે છે.આ તમારા મોબાઈલ ફોનમાં કોઈના મેસેજ આવે તો પછી તમે શું કરો છો ? એ બધા જ મેસેજને સાચવી રાખો છો ખરા ?
ના, કારણ કે,બધા જ મેસેજ કામના હોતા નથી.અમુક તો સાવ નકામા જ હોય છે, એને પુરા વાંચ્યા કે ના વાંચ્યા અને ડીલીટ કરી દેવામાં આવે છે.જે સારા મેસેજ હોય છે તેને તમો કોઈ મિત્રોને મોકલતા પણ હશો,અને જે ખૂબ જ સારા મેસેજ હોય છે એનો આપણે સંગ્રહ પણ કરતાં હોઈએ છીએ. કેમ કે, કોઈ દિવસ ફરી વાંચવા માટે કામ લાગશે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ દરેકમાંથી સારું લેવાનું આપણને શીખવાડ્યું છે. એક વખત તેઓની માણકી ઘોડી માંદી પડી.તેથી શ્રીજીમહારાજ એક મોટું પાત્ર લઈ સંતોની પંક્તિમાં ફર્યા અને ઘોડી માટે દરેકની પાસેથી એક – એક કોળીઓ પ્રસાદી માંગી,તેથી પાત્ર ભરાઈ ગયું. ત્યાર પછી શ્રી હરિએ સર્વે સંતોને તેમજ દર્શન કરવા આવેલા હરિભક્તોને કહ્યું, “સંતો અને હરિભક્તો ! જુઓ આ એક – એક કોળીઆથી આખું પાત્ર ભરાઈ ગયું. તેમ તમે જો દરેકમાંથી એક – એક ગુણ લેશો તો ગુણથી ભરાઈ જશો અને જો અવગુણ લેશો તો અવગુણથી ભરાઈ જશો. તેથી ગુણ લેજો પણ અવગુણ કોઈ ના પણ ન લેતા.”
જિંદગીમાં ટેન્શનથી મુક્ત થવું હોય અને સુખી થવું હોય તો,“જે સારી વ્યક્તિઓ લાગે તેની સાથે સંબધ રાખવો,જે ખરાબ લાગે તેની સાથે સંબધ ના રાખવો,પરંતુ ખરાબ વ્યક્તિઓ અને તેમની સાથે બનેલા પ્રસંગોનું મનન કરવાનું ત્યજી દેવું જોઈએ.”
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ