કુમકુમ મંદિર દ્વારા કોરોનાવાયરસ ને હરાવવા માટે હિંમત રાખવાના સંદેશા સાથે સત્સંગ સભા યોજાઈ
કોરોના વાયરસ ના કપરા સમયની અંદર હતાશા તજીને ધીરજ રાખવી જોઈએ – સાધુ પ્રેમ વત્સલ દાસજી કુમકુમ
તારીખ ૬ મેના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સત્સંગ સભા યોજવામાં આવી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી એ જણાવ્યું હતું કે, હાલના કોરોના વાયરસ ના કપરા સમયની અંદર આપણે સૌ કોઈએ ધીરજ રાખવી જોઈએ. શિયાળા પછી ઉનાળો આવે છે અને ઉનાળા પછી ચોમાસુ આવે છે, રાત્રિના અંધકાર પછી દિવસ ઉગે છે, ભરતી પછી ઓટ આવે છે, એ પ્રમાણે જીવનમાં દુઃખ પછી સુખ પણ આવે છે, તેથી આપણે સૌ કોઈએ હિંમત રાખવાની જરૂર છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન એક દિવસ એવો પણ લાવશે કે કોરોના વાયરસ નો નાશ થઈ જશે. આપણે ભગવાન ઉપર અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. જિંદગીના આટલા વર્ષો સુધી ભગવાને આપણી રક્ષા કરી છે તો ભવિષ્યના આગામી દિવસોમાં પણ આપણી અવશ્ય રક્ષા કરશે. જિંદગીના બધા જ વર્ષો કોઇના સરખા પસાર થયા નથી અને થવાના પણ નથી. દુઃખો કોના જીવનમાં નથી આવ્યું ? રામચંદ્રજી ભગવાનને પણ ચૌદ વર્ષનો વનવાસ આવ્યો હતો. શ્રીકૃષ્ણ ભગવાનને પણ અને ઉપાધીઓ આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદાખાચરના ઘરે રહ્યા ત્યારે દાદા ખાચરને પણ અનેક ઉપાધિઓ આવી હતી. નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવા ભક્તોને પણ જીવનમાં અનેક દુઃખો આવ્યા છે.
આપણા જીવનમાં પણ દુઃખ આવે ત્યારે તેમના જીવનમાંથી આપણે ધીરજ રાખવાનો પાઠ શીખવવો જોઈએ. તેથી આપણે સૌ કોઈએ ધીરજ રાખવાની છે અને એકસાથે સંપીનેને કોરોના વાયરસ ને હરાવવાનો છે. આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીજી જણાવ્યું હતું કે, જેનો જેને આશરો તેને તેની લાજ. આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને આશરે બેઠા છીએ તો ભગવાન આપણી રક્ષા અવશ્ય કરશે જ. તેથી આપણે સૌ કોઈએ હાલના કોરોના વાયરસ ના સમયમાં ધીરજ રાખવાની જરૂર છે.
– સાધુ પ્રેમવત્સલ દાસજી કુમકુમ