કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે આનંદપ્રિયદાસજી સ્વામીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે
-શનિવારે આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા તેને ૭૭વર્ષ પૂર્ણ થશે.– ૭૭ વર્ષ પૂર્વે શ્રાવણ વદ – પાંચમ ના રોજ સત્સંગનો પ્રારંભ કર્યો હતો.
– શનિવારે દેશ વિદેશમાં હરિભકતોને જીવનપ્રાણ સ્વામીબાપાએ અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જે કાર્યો કર્યા છે તેનું પ્રેઝન્ટેશન શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે.
તા. ૮ ઓગષ્ટ – શનિવાર – શ્રાવણ વદ – પાંચમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ના સંતો – હરિભકતો દ્રારા દેશ અને વિદેશમાં મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે.શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસાર માટે શ્રી મુકતજીવન સ્વામીબાપા શ્રાવણ સુદ-પાંચમ-૧૯૯૯ (તા.ર૦-૮-૧૯૪૩) ના રોજ એટલે કે, આજથી ૭૭ વર્ષ પૂર્વે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને મણિનગર પધાર્યા હતા ત્યારે મણિનગરમાં વેરાન જગ્યામાં માત્ર ઓરડી જ હતી… આ જગ્યા ઉપર કારણ સત્સંગના પાયા નાંખવા માટે શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કમરકસી હતી. એ સમયે કોઈ સુવિધા ન હતી.
ભગવાનના થાળ બનાવવા માટે વાસણ પણ ન હતા. અરે? રસોઈ કરવા માટે કોલસાના કોથળામાં શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ હાથ નાંખ્યો તો વિંછી હાથમાં આવ્યા વિછીં.તે પણ એક બે નહી,પણ વીંછીની લાઈન ચાલી હતી. રસોઈ માટે વાસણ પણ ન હતા,તેથી કેરોસીનનો ડબ્બો કાપ્યો અને ખીચડી બનાવી અને ભગવાનને થાળ ધરાવ્યો હતો.અને સત્સંગ ના પાયા નાંખ્યા હતા.
ત્યારબાદ તેમની આ મહેનત ના ફળ સ્વરુપે તો હાલ લંડન, અમેરીકા, આદિ અનેક સ્થળોએ સત્સંગીઓ બન્યા છે. અને તેઓ ભારતીય સંસ્કારોને સાચવી રહયા છે.તો આપણી સૌની ફરજ બને છે કે, શ્રી મુકતજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જે આપણી ઉપર ઉપકારો છે, તેને આજે યાદ કરવા જોેઈએ અને તેમણે જે નિયમ ધર્મ આપેલા છે તે પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ.
સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે,શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી એ હાલતાં – ચાલતાં પાવર હાઉસ છે. જે સર્વના જીવનમાં ભગવાનની ઉર્જા ભરી દે છે અને અનેકના જીવનનો પલટો કરી દે છે.
તેમની જોગમાં જે આવે છે તે સત્સંગના રંગે રંગાઈ જાય છે.અનેક વ્યકિતઓ પોતાના જીવતરની કેડીને રચનાત્મક માર્ગે કંડારી શકયા છે.અનેક પરિવારોની નિરાશાઓ દૂર થઈ છે. પરિવારમાં સ્નેહ – સંપના દિપક પ્રગટયા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠયા છે. વિદેશમાં પણ જને – જને સત્સંગના તેજરશ્મિફેલાયાં છે. તેથી આજના દિવસે આપણે સૌ કોઈ તેમના દીર્ઘાયું માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરવી જોઈએ.
સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ