કુરીયર પાર્સલમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો
અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી હોવાથી નાગરીકોનાં દારૂની માંગ ખૂબ ઉંચી રહે છે. જેથી બુટલેગર પોલીસથી નજરથી બચીને રાજ્યનાં ખૂણે ખૂણે દારૂનો જથ્થો પહોંચાડવા અવનવા કિમીયા કરતાં રહે છે. વાહનોમાં ચોરખાના ટ્રકોમાં અન્ય સામાન સાથે ભેળસેળ કરવાની રીતો બાદ હાલમાં જ ઈંગ્લીશ દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો કુરીયરનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવતાં તમામ ચોંકી ઊઠ્યા છે. કાગડાપીઠ પોલીસની કાર્યવાહીમાં આ ઘટના બહાર આવી છે. આ અંગેની વિગત એવી છે કે કાગડાપીઠ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ગીતા મંદિર નજીક આવેલી અંજની કુરિયર સર્વિસનાં એક પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ હોવાની બાતમી મળી હતી.
આ માહિતીને આધારે પોલીસની ટીમ રાત્રે નવ વાગ્યાના સુમારે અંજની કુરીયરની ઓફીસે પહોંચી વાદળી રંગના મીણીયાનાં થેલામાં આવેલું શંકાસ્પદ પાર્સલ તપાસ્યું હતું. આ પાર્સલ ખોલતાં જ અંદરથી છાપા વિટળાયેલું બોક્સ મળ્યું હતું. જેમાંથી બે બ્રાન્ડનાં દારૂની ૧૬ બોટલો મળી આવી હતી. ઊફરાંત કાચની કેટલીક બોટલો તુટી જતાં ‘છાપા ભીન થઈ ગયા હતાં અને દારૂ રેલાયો હતો’ પોલીસે આ જથ્થો કબ્જામાં લઈ પાર્સલ જેનાં નામે મોકલાયું હતું તે વિજય ચૌહાણ (કૃષ્ણનગર, અમદાવાદ) વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.