કુલગામમાં ભાજપના નેતાની આતંકવાદીઓએ હત્યા કરી
કુલગામ, દક્ષિણ કાશ્મીર સ્થિત કુલગામમાં ભાજપ નેતા અને સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ જાણકારી અધિકારીઓએ આપી છે. બીજેપી નેતા સજ્જાદ અહમદ ખાંડે પર કુલગામ જિલ્લાના વેસુમાં તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, ત્યારબાદ તેમને હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
અત્યાર સુધી કોઈ પણ આતંકવાદી સમૂહે હુમલાની જવાબદારી નથી લીધી. પ્રારંભિક રિપોર્ટ્સ મુજબ, મૃતક સરપંચ અનેક અન્ય સરપંચોની સાથે એક પ્રવાસી શિબિરમાં રહેતા હતા. જોકે, તેઓએ પોતાના ઘરે જવાનો ર્નિણય કર્યો અને વેસુ માટે રવાના થયા હતા. જ્યારે તેઓ પોતાના ઘરથી માત્ર ૨૦ મીટર દૂર હતા ત્યારે તેમની પર હુમલો થયો.
૪૮ કલાકથી ઓછા સમયમાં આ બીજો હુમલો છે. આ પહેલા બીજેપી સરપંચ આરિફ અહમદ પર ૪ ઓગસ્ટની સાંજે અખાન કાજીગુંડમાં આતંકવાદીઓએ ફાયરિંગ કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જુલાઈમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના બાંદોપોરામાં બીજેપી નેતા વસીમ અહમદ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારીને હત્યા કરી હતી. ત્રણેય પર બાંદોપોરાના એક પોલીસ સ્ટેશનની પાસે દુકાનની બહાર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.