કુવૈતના નવા નિયમને લીધે ૮ લાખ ભારતીયોની નોકરી જશે
કુવૈત સિટી: કોરોનાની મહામારી અને તેના પગલે આવી રહેલી આર્થિક મંદીમાં વિદેશમાં કામ કરી રહેલા ભારતીયોને અસર કરે તેવા એક પગલાંમાં કુવૈતે નવો નિયમ બનાવવાનું નક્કી કર્યું છે જેના કારણે આઠ લાખ ભારતીય કામદારોને પાછા વતનની વાટ પકડવી પડે તેમ છે. ગલ્ફ ન્યૂઝા અહેવાલ અનુસાર, કુવૈતની નેશનલ એસેમ્બલીની કાનૂની અને વિધાનસભા સમિતિ સ્થળાંતર ક્વોટા બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે.
જેનાથી આઠ લાખ ભારતીય મજૂરોએ કુવૈતથી પરત ફરવું પડશે. નેશનલ એસેમ્બલીની કાનૂન અને વિધાનસભા સમિતિએ નક્કી કર્યુ છે કે, સ્થળાંતર ક્વોટા બિલનો ડ્રાફ્ટ બંધારણીય છે. આ બિલ અનુસાર, પ્રવાસી ભારતીયોની સંખ્યા કુવૈતની કુલ વસ્તીના ૧૫ %થી વધારે હોવી જોઇએ નહીં. હવે આ બિલ સંબંધિત સમિતિ પાસે વિચાર માટે મોકલવામાં આવ્યું છે. કુવૈતની કુલ વસ્તી ૪૩ લાખ છે,
જેમાથી ૩૦ લાખ પ્રવાસી મજૂરો છે. કુલ પ્રવાસીઓમાં ૧૪.૫ લાખ ભારતીય છે. જોકે, ૧૫ % ક્વોટાનો અર્થ ભારતીયોની સંખ્યા ૬.૫-૭ લાખ સુધી સીમિત કરવામાં આવી શકે છે. કુવૈતના પ્રવાસી ભારતીયોથી ભારતને સારા પ્રમાણમાં રેમિટેન્સ મળે છે. ૨૦૧૮માં કુવૈતથી ૪.૮ અરબ ડોલર વિદેશી નાણું મળ્યું હતું. જોકે કુવૈતમાં આ નવું બિલ પાસ થઇ જાય તો ભારત સરકારને આ વિદેશી હૂંડિયામણ રૂપે મોટું આર્થિક નુકશાન વેઠવું પડશે. આ નિયમ ફક્ત ભારતીયો પર જ નહી પરંતુ, બીજા પ્રવાસીઓ પર લાગુ કરવામા આવશે. ભારતીયો સિવાય કુવૈતમા અન્ય પ્રવાસી લોકો ઈજિપ્તના છે. કોરોના વાઈરસની મહામારીની સૌથી ખરાબ અસર કુવૈતની અર્થવ્યવસ્થા પર પડી છે.
કેટલાક મહિના પહેલાં કુવૈતમાં પ્રવાસીઓને લઇને વિવાદ ઉભો થયો હતો. કુવૈતના સાંસદ અને સરકારી અધિકારી વિદેશી નાગરિકોની સંખ્યા ઘટાડવાની માગણી કરી રહ્યા હતા. કુવૈતના વડાપ્રધાન શેખ સબહ અલ ખાલિદ સબહએ એક નિવેદનમા કહ્યું હતું કે, દેશમા પ્રવાસીઓની સંખ્યા ૭૦ ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરવામાં આવે. આમ તો કુવૈત પ્રવાસી શ્રમિકો પર નિર્ભર દેશ છે. ભારતીયો કુવૈતના દરેક ક્ષેત્રમાં કામ કરે છે.