કૂચબિહારમાં ગોળીબાર ગૃહમંત્રીના નિર્દેશ પર થયુ : મમતા બેનર્જી
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં આજે ચોથા તબક્કાનુ મતદાન થયું હતું. આ દરમિયાન કૂચબિહારના સિતાલકુચીમાં એક પોલિંગ બુથ પર જબરદસ્ત હોબાળો થયો હતો જ્યાં બબાલ વચ્ચે ફાયરિંગમાં ૪ લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીઆરપીએફને જવાબદાર ગણાવ્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ છે કે સીઆરપીએફે જ ૪ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે.
મમતા બેનર્જીએ ૨૪ પરગનાના હિંગલગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને કહ્યુ કે સિતાલકુચીમાં થયેલી હિંસાના સમાચાર મને મળ્યા છે ત્યાં સીઆરપીએફે આજે ૪ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે એક વ્યક્તિનુ મોત સવારે થયુ હતુ. મમતાએ કહ્યુ કે સીઆરપીએફ સાથે મારી કોઈ દુશ્મની નથી પરંતુ ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર બંગાળમાં એક ષડયંત્ર હેઠળ આવુ કરવામાં આવી રહ્યુ છે જેનુ પ્રમાણ આજની આ ઘટના છે.
મમતા બેનર્જીએ કહ્યુ કે સીઆરપીએફવાળાએ લાઈનમાં ઉભેલા વોટરોને મારી દીધા છે, આટલી હિંમત ક્યાંથી મળી રહી છે? મમતાએ કહ્યુ કે ભાજપ જાણે છે કે તે બંગાળમાં હારી રહી છે માટે વોટરો અને અમારા કાર્યર્તાઓને મારવામાં આવી રહ્યા છે.