કૂતરાંને રમાડે છે તો તારાં છોકરાં પણ કૂતરાં જેવા થશે !: સાસુની વિચિત્ર વાત
અમદાવાદ, કૂતરાને રમાડે છે તો તારા છોકરા પણ કૂતરા જેવા થશે તેવું સાસુએ ગર્ભવતી પુત્રવધુને કહેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કેનેડામાં પુત્રવધુનું ગર્ભ પરીક્ષણ કરાવ્યું ત્યારે પુત્રી હોવાની જાણ થતાં સાસુ તેમજ પતિએ તેને તેનાં પિયર અમદાવાદ મોકલી દીધી હતી. જેથી અંતે પુત્રવધુએ પતિ અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
શહેરના મણિનગરમાં રહેતી ૩૧ વર્ષીય યુવતી હાલ તેના માતા પિતા સાથે રહે છે. યુવતી જ્યારે સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં આ યુવતી અને યુવકનાં અલગ અલગ જગ્યાએ લગ્ન થઇ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતાં વર્ષ ૨૦૧૪માં તેણે છૂટાછેડા લીધા હતા.
જ્યારે યુવક મિત્ર તેની પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. કેનેડામાં યુવકને તેની પત્ની સાથે બનતું નહીં હોવાને કારણે તે અમદાવાદ પરત આવી ગયો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કર્યુ હતું બાદમાં યુવકના છુટાછેડા થઇ જતાં બંને જણાએ ૨૦૧૮માં લગ્ન કરી લીધા હતા અને કેનેડા જતા રહ્યા હતા.
યુવતીને બાળક લાવવા માટે સાસરિયા ફોર્સ કરતાં હતા. જાેકે તેની ઇચ્છા ન હતી પણ સાસુ અને પતિની જીદના કારણે તેને ગર્ભ રહ્યો હતો. યુવતી પ્રેગ્નન્ટ હતી ત્યારે તેનો પતિ ઘરમાં કૂતરું લાવ્યો હતો. જેથી સાસુએ આવેશમાં આવીને યુવતીને કહ્યું કે ભગવાનનું નામ લેવાની જગ્યાએ કૂતરા રમાડે છે ? કોણે કહ્યું હતું કૂતરું લાવવાનું ?
તારા છોકરા પણ કૂતરા જેવા જ આવશે. સાસુની આ વાતનું યુવતીને મનમાં લાગી આવતા તે સતત તે બાબતે વિચાર કરતાં તેની પ્રેગ્નન્સી પર અસર પડી અને મિસેકેરજ થઇ ગયું હતું. બાદમાં સાસુ સસરા કેનેડા ગયા હતા ત્યારે પણ તે યુવતી સાથે બબાલ કરતા હતા.
ફરી એક વખત યુવતી પ્રેગ્નન્ટ થતાં તેનું ગર્ભ પરીક્ષણ કરાવ્યું હતું. જ્યાં ગર્ભમાં દીકરી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સાસુએ તારે દીકરી થવાની છે તારું કઇ કામ નથી ઇન્ડિયા જતી રહે તેવું કહેતાં યુવતીના પિતાએ પૈસા મોકલતાં ટિકિટ કરાવી પ્રેગ્નન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઇ હતી.
બાદમાં તેના પતિએ કહ્યું કે સોશિયલ મીડિયા પર ફોટો મૂકવાના નહીં અને સીમંત વખતે વીડિયો કોલ કરતાં કોલ ન કરવાનું સાસરિયાએ કહેતા યુવતીને ગાયનોલોજિસ્ટ અને અન્ય ડોક્ટરની દવાઓ શરૂ કરાવતાં હાલ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.