કૂતરા પાળવાનો શોખ તમને જેલની હવા પણ ખવડાવી શકે છે
વડોદરામાં પાલતુ કૂતરાએ સાત વર્ષની બાળકીને બચકા ભર્યાં
વડોદરા, વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી મંગલા ગ્રીન સોસાયટીમાં કૂતરાનો વિરોધ કરનાર પાડોશી પર કૂતરાને છોડીને હુમલો કરાવ્યો હોવાની ઘટના બની હતી. જર્મન શેફર્ડ પ્રજાતિના શ્વાને સાત વર્ષની બાળકીને બચકા ભર્યા હતા. ત્યારબાદ શ્વાનના માલિકે મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી.
વડોદરાના તરસાલીમાં મંગલા ગ્રીન સોસાયટીમાં રહેતા વર્ષાબેન પાંડેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે સાડા નવ વાગે મહિલા તથા તેમની દીકરી સાથે ફલેટમાં નીચે વોકીંગ કરવા માટે ગઈ હતી. તે વખતે તેમની સોસાયટીમાં રહેતા શશીકાંત મોગે તેમનું જર્મન શેફર્ડ પાલતું કૂતરું લઈને નીકળ્યા હતા.
અગાઉ પણ તેમના ડોગ બાબતે આ એપાર્ટમેન્ટના રહીશો સાથે ઝઘડો થયો હતો અને તેમના પત્નીએ ગત છઠ્ઠી જૂને એક મહિનામાં ડોગ હટાવી દઈશું તેવી બાહેધરી આપી હતી તેમ છતાં તેઓએ પોતાનો ડોગ બીજી જગ્યાએ શિફટ કર્યું નહોતું. સોસાયટીના તમામ રહીશો તેમના વિરૂદ્ધમાં હોય તેઓ ગઈકાલે રાત્રે મહિલાની સામે આંખો કાઢીને જોતાં હતા
અને તેમને તેઓ દારૂ જેવા કેફીનો નશો કરેલો હોય તેવું લાગ્યું હતું. શશીકાંતભાઈએ તેમના જર્મન શેફર્ડ ડોગનો પટ્ટો છોડી કંઈક ઈશારો કરી તેમના તરફ દોડાવ્યું હતું. ત્યારબાદ તે ડોગ મહિલા પાસે આવી તેમની દીકરીને જમણા પગના ઘૂંટણના નીચેના ભાગે બચકું ભરી લોહી લુહાણ કરી દીધી હતી.
સોસાયટીના રહીશો ભેગા થઈ જતાં શશીકાંતભાઈએ મહિલાને ધમી આપી કહ્યું હતું કે, તું મારા વિરૂદ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ. મકરપુરા પોલીસ મથકમાં આ મામલે શશીકાંત મોગે સામે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.