કૂતરા રસીકરણ કરતી વધુ એક સંસ્થાને રૂ.પ૦ હજારનો દંડ
એનીમલ વેલ્ફેર બોર્ડની શરતો મુજબ કામગીરી થતી ન હોવાથી મનપાએ દંડ ફટકાર્યો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: સ્માર્ટસીટી અમદાવાદમાં રખડતા કુતરા અને રસીકરણની સમસ્યા ૧પ વર્ષ જુની છે. જેનો હલ હજી સુધી આવ્યો નથી. કેન્દ્ર સરકાર અને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન ના પગલે મનપા દ્વારા ર૦૦૧ ની સાલથી “એનીમલ બર્થ કંટ્રોલ” કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને આ મુદ્દે યોગ્ય કાળજી રાખી ન હોવાથી “એનીમલ બર્થ કંટ્રોલ”નો પ્રોગ્રામ સફળ થયો નથી તથા સમયાંતરે આ મુદ્દો વિવાદ બની ને બહાર આવી રહયો છે.
મ્યુનિ.કોર્પોરેશન માં છેલ્લા કેટલાક દિવસોથી શેરી કુતરા અને ખસીકરણ નો મામલો જાગ્યો છે. ખસીકરણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ સંસ્થાઓ કે વ્યકિતઓના હીત ન સચવાતા ન હોવાથી આ વિવાદને ચગાવવામાં આવી રહયા હોવાના આક્ષેપ થઈ રહયા છે. જયારે નિયમ મુજબ કામગીરી ન કરવા મુજબ મ્યુનિ.ઢોર ત્રાસ અંકુશ વિભાગે વધુ એક કોન્ટ્રાકટરને રૂ.પ૦ હજાર નો દંડ કર્યો છે.
અમદાવાદ શહેરમાં ર૦૦૧ની સાલથી કુતરા ખસીકરણની કામગીરી ચાલી રહી છે. ર૦૦પના વર્ષમાં પ્રથમ વખત એનીમલ હેલ્થ ફાઉન્ડેશન નામની સંસ્થાઓને ખસીકરણનો કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હતો કોન્ટ્રાકટની એક વર્ષની મુદત દરમ્યાન સંસ્થાએ ૪૪ હજાર કુતરાના ખસીકરણ કર્યા હોવાના દાવા કર્યા હતા.
સદ્દર સંસ્થાનો કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ અગમ્ય કારણોસર નવા કોન્ટ્રાકટમાં વિલંબ થયો હતો જેના કારણે મનપાના માથે માછલા પણ ધોવાયા હતા તથા આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ભારે બદનામી થઈ હતી. તે સમયથી શેરી કૂતરા અને કૂતરા કરડવા મુદ્દે વિવાદ ચાલી રહયો છે.
આજદીન સુધી યથાવત છે. શહેરમાં કુતરાઓની સંખ્યા તથા કુતરા કરડવાના કેસ વધી રહયા હોવાની વ્યાપક ફરીયાદો પણ બહાર આવે છે. જયારે તંત્ર દ્વારા જેસંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે તે સંસ્થાઓની કામગીરી અત્યંત નબળી રહી છે. જેના કારણે તેમની સામે પગલા લેવામાં આવી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશનના જાણકાર સુત્રોનું માનીએ તો કુતરા રસીકરણ માટે ર૦૧પમાં ઝોન દીઠ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા.
તેથી ર૦૧પથી ર૦૧૭ ના સમયગાળા દરમ્યાન વાર્ષિક સરેરાશ ૩૦ હજાર કુતરાના રસીકરણ કરવામાં આવતા હતા. ર૦૧૭માં કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ કેટલીક સંસ્થાઓએ ફરીથી કામ કરવામાં રસ દાખવ્યો ન હતો જેના કારણે એકમાત્ર “એનીમલ રાઈડ ફંડ” નામની સંસ્થા જ કામ કરતી હતી. સદ્દર સંસ્થા દૈનિક ધોરણે માત્ર ૩૦થી ૪૦ કુતરાના જ ખસીકરણ કરતી હતી તેથી મ્યુનિ. કમીશ્નરે ખસીકરણની સંખ્યામાં વધારો કરવા સુચના આપી હતી પરંતુ પરીણામ માં કોઈ જ સુધારો થયો ન હતો તેમજ સંસ્થા સામે નબળી કામગીરી અને ગેરરીતિ અંગે આક્ષેપો પણ થયા હતા.
જેના કારણે, જુલાઈ-ર૦૧૯માં સદ્દર સંસ્થાને રૂ.એક લાખનો દંડ કરવામાં આવ્યો હતો તથા સપ્ટેમ્બર ર૦૧૯માં તેનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવ્યો હતો.મ્યુનિ.કોર્પોરેશને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયા”ની ગાઈડલાઈન મુજબ કામ કરતી હોય તથા નોધણી થઈ હોય તેવી સંસ્થાઓના સંપર્ક કર્યા હતા જેમાં “પીપલ્સ ફોર એનીમલ, ગોલ્ડન ફાઉન્ડેશન યશ ડોમેસ્ટ્રીક રીસર્ચ તથા એનીમલ હેલ્થ ફાઉન્ડેશનને કોન્ટ્રાકટ આપ્યા છે. આ તમામ સંસ્થાઓને ઝોનદીઠ કામગીરી સોંપવામાં આવી છે. આ ચાર સંસ્થાઓ પૈકી ત્રણ સંસ્થાની કામગીરી સંતોષજનક છે. જયારે એક સંસ્થા સામે દિલ્હી સુધી ફરીયાદો થઈ હોવાથી તેની પેનલ્ટી કરવામાં આવી છે.
મ્યુનિ.કોર્પોરેશનના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ગોલ્ડન ફાઉન્ડેશન નામની સંસ્થા પશ્ચિમઝોનમાં કામ કરી રહી છે. સદ્દર સંસ્થાની નબળી કામગીરી મામલે દિલ્હી સ્થિત એનીમલ વેલ્ફેર બોર્ડ સમક્ષ અનેક ફરીયાદો થઈ છે. જેના કારણે સદ્દર સંસ્થાને રૂ.પ૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને છેલ્લા ૦૬ મહીનામાં જ બે સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે.
તે બંને સંસ્થાઓ સાથે એક જ વ્યકિત સંકળાયેલ છે. કુતરા ખસીકરણ મામલે કેટલીક સંસ્થાઓ અને વ્યકિતઓના હિત સચવાતા ન હોવાથી આ મુદ્દે અવારનવાર વિવાદ થાય છે. તથા તેનો લાભ લેવા કેટલાક રાજકીય લોકો પણ મેદાનમાં કુદી જાય છે. આ લોકો ખરા અર્થમાં કુતરાની સમસ્યા દૂર કરવા ઈચ્છતા હોય તો તેને મુળથી નાબુદ કરવાની દિશામાં કામ કરે તે જરૂરી છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.