કૂતરા રસીકરણ કરતી સંસ્થાઓ પાસથી લાખો રૂા.ની પેનલ્ટી વસુલ કરવામાં મ્યુનિ. તંત્ર નિષ્ક્રિય
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો વચ્ચે મજબૂત સાંઠગાંઠ છે. જેનાકારણે, કોન્ટ્રાક્ટરોને મહત્તમ લાભ થાય તે આશયથી જ્યારે ટેન્ડર જાહેર કરવામાં આવે છે ત્યારે કડક શરતો રાખવામાં આવે છે તથા પેનલ્ટી ક્લોઝ પણ દર્શાવવામાં આવે છે. પરંતુ ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ તમામ શરતો અબરાઈએ ચૂકવામાં આવે છે.
મ્યુનિ.કોર્પાેરેશન સી.એન.સી.ડી.વિભાગમાં આ જ પ્રકારનો ખેલ જાેવા મળી રહ્યો છે. સદર વિભાગ દ્વારા કુતરા રસીકરણ માટે જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં પેનલ્ટીની શરત રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી લાખો રૂા.ની પેનલ્ટી સામે રાતીપાઈ પણ વસુલ કરવામાં આવી નથી.
મ્યુનિ.ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા ૨૦૧૮ના વર્ષમાં કુતરા રસીકરણ માટે બે વર્ષની મુદ્દત માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. ટેન્ડર શરત મુજબ પ્રથમ વર્ષે ત્રિમાસિક ૨૭૦૦ અને બીજા વર્ષે ત્રિમાસિક ૨૪૦૦ કુતરાના ખસીકરણી કરવાના હતા. જાે કોઈ પાર્ટી ટેન્ડર શરત કરતા ઓછી સંખ્યામાં રસીકરણ કરે તો પ્રજા કુતરા દીઠ રૂા.૧૦૦ લેખે પેનલ્ટી લેવાની હતી.
પરંતુ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી સદર શરત માત્ર ટેન્ડર પૂરતી જ સીમીત રહી છે. સી.એન.સી.ડી.વિભાગ દ્વારા ચાર સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ તમામ સંસ્થાઓ તેમના લક્ષ્યાંક પૂર્ણ કરી શકી નથી. મ્યુનિ.સી.એન.સી.ડી.વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ એનીમલ હેલ્થ ફાઉન્ડેશન નામની સંસ્થાએ કુતરાના રસીકરણ ઓછા કર્યા હતા. તેથી તેની પાસેથી પેનલ્ટી પેટે રૂા.૭૭૭૦૦ લેવાના નીકળે છે.
પરંતુ તે વસુલ કરવામાં આવ્યા નથી. પીપલ ફોર એનીમલ સંસ્થાની કામગીરી સૌથી નબળી સાબિત થઈ હતી. આ સંસ્થાએ લક્ષ્યાંક કરતા ૮૯૦ કુતરાના રસીકરણ ઓછા કર્યા છે. સંસ્થા પાસેથી પેનલ્ટી પેટે રૂા.૮૯ હજાર લેવાના બાકી છે. જ્યારે યશ ડોગ રીસર્ચ નામની સંસ્થાએ ૫૪૦ કુતરાના રસીકરણ કરવાના બાકી રાખ્યા છે.
જેની પેનલ્ટી રકમ રૂા.૫૪ હજાર થાય છે. જે પણ વસુલ કરવામાં આવી નથી. આમ, ટેન્ડર શરત મુજબ ઓછા રસીકરણ કરવામાં આવેલ કુતરા દીઠ રૂા.૧૦૦ લેખે પેનલ્ટીની ગણતરી કરતા રૂા.૨.૨૦ લાખ વસુલ કરવાના થાય છે. પરંતુ અધિકારીઓ પેનલ્ટી ફાઈલ આગળ જવા દેતા નથી.
મ્યુનિ. સી.એન.સી.ડી દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડરની મુદત બે વર્ષની હતી ત્યારબાદ ખાતાની જરૂરીયાત મુજબ ૦૬ માસની સમય મર્યાદાનો વધારો કરવાની સત્તા કમિશ્નરને આપવામાં આવી હતી તે મુજબ ઓગસ્ટ-ર૦ર૦માં કોન્ટ્રાકટરોની સમય મર્યાદામાં મ્યુનિ. કમી. ઠરાવ નંબર ૧૯ મુજબ વધારો કરવામાં આવ્યો હતો. સદ્ર સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ન હતી તેમ છતાં સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી વિના જ કોન્ટ્રાકટરોની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો જે અંગે તપાસની માંગણી પણ કરવામાં આવી છે.