કૂતરું આડે ઉતરતા કાર ખાડામાં પડી : બાળકી સહિત ૨નાં મોત
દ્વારકા: દ્વારકામાં કૂતરું આડે ઉતરતા કાર પાણીના ઊંડા ખાડામાં ખાબકી હતી, જેમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોરબંદરના એક પરિવારના સભ્યો માતાજીની માનતા ઉતારીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે કાર આડે કુતરું ઉતરતા અકસ્માત થયો હતો. જેમાં બાળકી સહિતના ૨નાં મોત નીપજ્યાં હતાં.
જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ પોરંબદરના નવા કુંભારવાડો વિસ્તારમાં રહેતા જીતેશભાઈ ભુપતભાઈ ગોઢાણિયા (૨૮) તેમના પત્ની અને પરિવારજનો સાથે કારમાં રવિવારે સાંજે મીઠાપુર વિસ્તારના ભીમરાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે મોગલ માતાના મંદિર પાસે પૂરઝડપે જઈ રહેલી કાર આડે કૂતરું ઉતરતા જીતેશભાઈએ કાબૂ ગુમાવી દેતા કાર રસ્તાની નજીક રહેલા પાણીના ઉંડા ખાડામાં ખાબકી હતી. ત્યારબાદ મોટરકારમાં સસવાર જીતેશભાઈની ભાણેજ વિશ્વાબેન (૧૦, રહે- છાયા વિસ્તાર પોબરંદર) અને જીતેશભાઈના સાસુ જમનાબેન પ્રતાપભાઈ કોટીયા (૪૫, રહે-ખારવાવાડ, પોરબંદર)ના ખાડામાં વધુ પડતુ પાણી પી જતાં બંનેના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર જીતેશભાઈના પત્ની તથા અન્ય સંબંધી ઈલાબેન, તેમનો પુત્ર પ્રિન્સ પણ પાણી પી જતાં બેભાન થઈ ગયા હતા.
પ્રિન્સને હાથમાં જ્યારે કારમાં સવાર હંસાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટના અંગે મીઠાપુર પોલીસે કાર ચાલક જીતેશભાઈ સામે એમવી એક્ટ હેઠળ વધુ મુસાફરો સાથે કાર ચલાવતા બદલ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માત રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ બન્યો હતો અને પરિવાર માતાજીની માનતા ઉતારીને પરત ફરી રહ્યા હતા.