કૃષિ કાયદા રદ થવાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને કરોડોનો ફટકો પડશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દેશને સંબોધન કર્યું હતું અને અત્યંત વિવાદાસ્પદ બની ગયેલા ત્રણ નવા કૃષિ કાયદા રદ કરી નાખશું તેવી જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાતને પગલે આંદોલિત ખેડૂતો આનંદમાં છે પરંતુ દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ચિંતામા સપડાઇ ગયો છે. તેને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે.
એવા હેવાલો બહાર આવ્યા છે કે વડાપ્રધાન દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેશમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને મોટો ફટકો લાગી શકે છે અને નવા રોજગારો ઉભા કરવાની તૈયારી બંધ કરવી પડે તેવી હાલત થઇ જશે.
આ ઉપરાંત નવા પ્રોજેક્ટ હાથ ધરવા અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓના વધુ વિસ્તરણ અંગેના તમામ પ્રોજેક્ટ અત્યારે બંધ કરી દેવા પડશે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વડાપ્રધાનના ગઇકાલના નિર્ણયને આ ઉદ્યોગ માટે ભયંકર પીછેહઠ સમાન ગણવામાં આવે છે.
એક કંપનીના વડાએ મીડિયાને એવી માહિતી આપી છે કે ભારતની પ્રોસેસ ફૂડ માર્કેટ 2.6 લાખ કરોડ ની માનવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકોને રોજગાર મળે છે અને દર વર્ષે તેનો વિકાસ વધી રહ્યો છે પરંતુ ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવ્યા છે ત્યારે તેના વિકાસને બ્રેક લાગી જશે અને નવા પ્રોજેક્ટ હાથ ધરી શકાશે નહીં.
જો નવા કૃષિ કાયદા અમલમાં આવ્યા હોત તો આ તમામ કંપનીઓ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદીને મોટો લાભ મેળવી શકે એમ હતી અને તેમના નફામાં વધારો થવાનો હતો એ જ રીતે રોજગારીમાં પણ ભારે વધારો થવાનો હતો પરંતુ હવે આ બધા પ્લાન બંધ કરી દેવામાં આવ્યા છે.