કૃષિ કાયદા વિરૂદ્ધ તામિલનાડુ વિધાનસભામાં ઠરાવ પસાર

Files Photo
ચેન્નઈ, તમિલનાડુની એમકે સ્ટાલિન સરકારે આજે વિધાનસભામાં કૃષિ કાયદા વિરૂદ્ધ ઠરાવ રજૂ કર્યો હતો. જે ધ્વનિમતથી પસાર થયો. દરખાસ્ત મુજબ, કેન્દ્રને કૃષિ સંબંધિત ત્રણેય કાયદા પાછા ખેંચવા વિનંતી કરવામાં આવી છે. જાેકે, આ દરમિયાન વિધાનસભામાં ઘણો હોબાળો થયો હતો.
રાજ્યની વિધાનસભામાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત સંબંધિત કાયદાઓ સામે વિરોધ થયો છે. ખેડૂતો સામે નોંધાયેલા તમામ કેસ પરત ખેંચવામાં આવશે.
આ દરમિયાન, ભાજપ અને એઆઈએડીએમકે ના ધારાસભ્યોએ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રસ્તાવનો વિરોધ કરીને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું. ભાજપ અને એઆઈએડીએમકે એ આરોપ લગાવ્યો હતો કે કાયદા વિરુદ્ધ પ્રસ્તાવ ઉતાવળમાં રજૂ કરાયો હતો અને રાજ્ય સરકારે સર્વદળીય બેઠક યોજીને ખેડૂતોનો અભિપ્રાય મંગાવવો જાેઈતો હતો.
ગયા વર્ષે નવેમ્બરથી ખેડૂતો કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે અને દિલ્હી-પંજાબ સરહદ પર ખેડૂતોનો ચક્કાજામ છે. આ દરમિયાન સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વખત વાતચીત પણ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂત સરકાર પાસેથી ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માગ પર અડગ છે.SSS