Western Times News

Gujarati News

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ ટ્રેનો રોકીઃ આજથી રેલ રોકો આંંદોલનનો આરંભ

ચંડીગઢ,  કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલી કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ આજથી પંજાબ અને હરિયાણામાં રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું. એના પરિણામે સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની રેલવેને ફરજ પડી હતી. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સરવન સિંઘ પંઢેરે કહ્યું કે અમે આજથી રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું જે 26 સપ્ટેંબર સુધી ચાલુ રહેશે. સરકાર અમારી માગો નહીં સ્વીકારે તો અમે આંદોલનને વધુ વેગવાન અને અસરકારક બનાવીશું.

સરકારે વિરોધ પક્ષોની ગેરહાજરીમાં કૃષિ વિષયક ત્રણ ખરડા પસાર કર્યા હતા. આ મુદ્દે એનડીએના બે ઘટક પક્ષો અકાલી દળ અને જદયુ વિરોધ કરી ચૂક્યા છે. અકાલી દળના હરસિમરત કૌરે તો કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. વિપક્ષોએ રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે આ બંને ખરડા અટકાવી દેજો. એના પર સહી સિક્કા કરતા નહીં. એકવાર રાષ્ટ્રપતિ આ ખરડાઓ પર સહી કરે એટલે આપોઆપ એ કાયદા બની જાય. પછી કશું થઇ શકે નહીં. ખેડૂતોના મહાસંઘે આવતી કાલે પચીસમી સપ્ટેંબરે ભારત બંધની હાકલ કરી હતી.  એકલા પંજાબ બંધ માટે 31 ખેડૂત સંઘો સંગઠિત થયા હતા.  પંજાબની કોંગ્રેસ સરકારે આ ત્રણે ખરડાને ખેડુતો પર ઘાતક હુમલા સમાન ગણાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.