કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતોનું ભારત બંધ, પંજાબમાં શટડાઉન
નવી દિલ્હી: શુક્રવારે સંસદના બંને ગૃહોમાં પસાર થનારા કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનો વિરોધ પ્રદર્શન ભારે હોવાની સંભાવના છે. શુક્રવારે બિલના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી બંધનું આહવાન કર્યું છે.
હરિયાણા અને પંજાબમાં આ બિલનો સખત વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણા રાજ્યોમાં પણ ખેડુતોની સંસ્થાઓ સાથે રાજકીય પક્ષો પણ બિલના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવા તૈયાર છે. પંજાબમાં ખેડૂત સંગઠન દ્વારા ગુરુવારથી કૃષિ બિલના વિરોધમાં ૩ દિવસના રેલરોકો આંદોલનનો પ્રારંભ કરાયો છે. પંજાબ અને હરિયાણામાં કૃષિ બિલોનો સૌથી વધુ વિરોધ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ ૩૧ ખેડૂત સંગઠનોએ શુક્રવારે પંજાબ બંધનું આહવાન કર્યું છે. બીજી તરફ હરિયાણામાં ભારતીય કિસાન સંઘ સહિત અનેક ખેડૂત સંગઠનોએ બિલના વિરોધમાં ખેડુતોની હડતાલને ટેકો આપવાની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ તેમની લડતમાં ખેડુતોને સમર્થન આપવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે શુક્રવારે રાજ્યમાં કલમ ૧૪૪ના ઉલ્લંઘન માટે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવશે નહીં.
સીએમએ ખેડૂત પ્રદર્શનકારીઓને અપીલ કરતા કહ્યું કે, આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આંદોલન દરમિયાન લોકોને અસુવિધા ન થાય અને જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચે તેની કાળજી લેવી જોઈએ.
રિયાણામાં બીકેયુ સહિત અનેક ખેડૂત સંગઠનોએ બિલના વિરોધમાં દેશવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે. આ સાથે જ રાજ્યની ભાજપ સરકારે પણ આંદોલનને ધ્યાનમાં રાખીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા રાખવા માટેની તૈયારી કરી લીધી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે ગૃહ વિભાગ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
તેમણે ડીજીપીને હડતાલ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નિર્દેશ આપ્યો છે. મોટાભાગના ખેડુતોએ પોતપોતાના વિસ્તારોમાં રહીને વિરોધની જાહેરાત કરી છે અને રાજધાની દિલ્હી ન જવાનું નક્કી કર્યું છે. તેમ છતાં શુક્રવારે દિલ્હી પોલીસ એલર્ટ પર રહેશે. આ જોતા પોલીસે હરિયાણા બોર્ડર સીલ કરવાની તૈયારી કરી લીધી છે. જોકે ગુરુવારે દિલ્હી-હરિયાણા રૂટ પર ટ્રાફિક સામાન્ય રહ્યો હતો.
ખેડૂત જૂથોએ આજે સવારે ૧૦ થી સાંજના ૪ સુધી ચક્કાજામ કરવાની હાકલ કરી છે. ખેડૂતોના પ્રદર્શનને વિવિધ રાજકીય પક્ષોનો ટેકો મળી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ખેડૂતોના ભારત બંધને ટેકો આપશે. પાર્ટીએ કહ્યું કે, પક્ષના લાખો કાર્યકરો ખેડૂતોના સમર્થનમાં ઉભા રહેશે અને ધરણા પ્રદર્શનમાં ભાગ લેશે. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ખેડૂત અને ખેતમજૂરો દેશની પ્રજાને સખત મહેનતથી ખવડાવે છે.
મોદી સરકાર એ જ ખેડુતો અને તેમના ખેતરો પર હુમલો કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પણ ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. પક્ષે ખેડુતોના કૃષિ બિલો સામે કરવામાં આવેલા વિરોધને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે તેઓ દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે અને જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત રાજ્યપાલને એક નિવેદન રજૂ કરશે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ આ માહિતી આપી. કૃષિ બિલને હાનિકારક ગણાવતાં તેમણે કહ્યું કે તેનાથી ખેડુતો અને મજૂરોના હિતને નુકસાન થાય છે.
પંજાબ અને હરિયાણાના ખેડૂતો સંસદમાં પાસ થયેલા કૃષિ સુધાર બિલોની વિરુદ્ધ આજે બંધ પાળશે. પંજાબ બંધ માટે ૩૧ ખેડૂત સંગઠનોએ હાથ મિલાવ્યા છે. હરિયાણામાં ભારતીય કિસાન યૂનિયન સહિત અનેક સંગઠનોએ કહ્યું છે કે તેઓએ બિલોની વિરુદ્ધ કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું સમર્થન કર્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ પ્રદર્શન દરમિયાન ખેડૂતોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રાખવા અને કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. ખેડૂત સંગઠનોએ ૧ ઓક્ટોબરથી અનિશ્ચિતકાલીન રેલ રોકો આંદોલન પણ શરૂ કરવાનો ર્નિણય લીધો છે.
ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે કેન્દ્રના કૃષિ સુધાર બિલોથી ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા ખતમ થઈ જશે અને કૃષિ ક્ષેત્ર પર મોટા કોર્પોરેટ્સના હાથમાં જતું રહેશે. હરિયાણાના ભાકિયૂના પ્રમુખ ગુરમના સિંહે કહ્યું છે કે તેમના સંગઠન ઉપરાંત કેટલાક અન્ય ખેડૂત સંગઠનોએ પણ રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે. સિંહે કહ્યું કે, અમે અપીલ કરી છે કે રાજ્યના રાજમાર્ગો પર ધરણા થવા જોઈએ અને અન્ય રસ્તાઓ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ થવો જોઈએ. નેશનલ હાઇવે પર ધરણા ન થવા જોઈએ. સિંહે કહ્યું કે હડતાલ દરમિયાન સવારે ૧૦ વાગ્યાથી ૪ વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામમાં સામેલગીરી ન હોવી જોઈએ. બીજી તરફ, દેશમાં ખેડૂતોના ઉદ્ધાર માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલનો ગુજરાતમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ બિલને કાળો કાયદો ગણાવી ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. આગામી ૨૬ સપ્ટેમ્બર, ૨૮ સપ્ટેમ્બર અને ૨ ઓક્ટોબરે અલગ અલગ કાર્યક્રમો યોજી કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ નોંધાવશે.