કૃષિ મહાવિધાલયનું લોકાર્પણ અને થરાદ-સીપુ યોજનાનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી
કૃષિ મહાવિધાલયના નિર્માણથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનની નવી દિશા મળશે : વિજયભાઇ રૂપાણી
પાલનપુર બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત કૃષિ મહાવિધાલય અને રૂ. ૬૩પ કરોડના ખર્ચે ખેડૂતો માટે કાર્યન્વિત બહુહેતુક થરાદ-સીપુ યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રણકાંઠાના ખેડૂતોને મળનારા નર્મદાના નીરની વાત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, થરાદ-સીપુ બહુહેતૂક યોજનાથી આ વિસ્તારના ૧૦૬ ગામોના ૩૯ તળાવો ભરાતા ૬ હજાર હેકટર કરતા પણ વધુ જમીનને પિયતનો લાભ મળતા ધરા નવપલ્લવિત બનશે. જિલ્લાની બે મહત્વાકાંક્ષી યોજનાનું લોકાપર્ણ અને શુભારંભ થવાથી જગતના તાતને કૃષિ જ્ઞાન-વિજ્ઞાનને નવી દિશા મળશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે ભૂતકાળના કોંગ્રેસ શાસનમાં ખેડૂતોની અવગણના થવાના કારણે ખેડૂતો આત્મહત્યા તરફ પ્રેરાયા હતા. પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએના દૂંરદેશી નિર્ણય એવા કૃષિ મહોત્સવ થકી ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયાસ હાથ ધર્યો .વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે પાણી અને વિજળી સમયસર મળે તો ખેડૂત સામર્થયવાન બને તેથી રાજય સરકારે સિંચાઇ અને ઉર્જાને પ્રાધાન્ય આપ્યું છે. સરકારે નેવાના પાણી મોભે ચડાવી પાણીના દુષ્કાળને ભૂતકાળ બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે.
કૃષિ કલ્યાણની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ખેડૂતોને રાતના ઉજાગરા ન વેઠવા પડે તેની પીડાને જાણીને સરકારે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે સોલાર પેનલમાં સહાય અને નવા ટ્રાન્સફોર્મ ખરીદવા સહિતના કામો હાથ ધર્યા છે. પાણીને વિકાસની પૂર્વ શરત ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકો, પશુપાલકો, ઉધોગકારો અને ખેડૂતોને પાણીની જરૂરીયાત વધુ રહેતી હોય છે ત્યારે પાણીને પારસમણિની જેમ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. છેવાડાના આ વિસ્તારને સુજલામ-સુફલામ, કસરા-દાંતીવાડા અને થરાદ-સીપુની આ ત્રણ મહત્વની પાણીની યોજનાઓનો લાભ મળતા ખેડૂતોમાં સમૃધ્ધિનું વાવેતર થશે.
રાજયની આ સરકાર હંમેશા ખેડૂતોના પડખે રહી છે. પૂરના સમયે રૂ. ૧૫૦૦ કરોડની સહાય આપીને બનાસકાંઠા જિલ્લાને બેઠા કરવાનું કામ કર્યુ છે તો વળી માવઠાના સમયે રૂ. ૧૦૦ કરોડનું પેકૅજ રાજ્ય સરકારે જાહેર કર્યુ હતું જયારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને રૂ. ૧૩ હજારની સહાય પુરી પાડી હોવાનું પણ ઉમેર્યુ હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં ખેડૂતને રૂ. ૬ હજારની સહાય અને રૂ. ૯૩૦૦ કરોડના ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને સમૃધ્ધિવાન બનાવવાનો પ્રયાસ રાજયની આ સરકારે કર્યો છે.
થરાદ ખાતે સરદાર કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા અંતર્ગત થરાદ ખાતે નવનિર્મિત કૃષિ મહાવિધાલયના લોકાર્પણની ખુશી વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સંકુલના નિર્માણથી આસપાસના વિસ્તારના ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન ઘર આંગણે જ મળી રહેશે. જયારે કૃષિ સંલગ્ન શિક્ષણ, સંશોધન, વિસ્તરણ અને નવિન પધ્ધતિઆનો લાભ મળી રહેશે.
આ પ્રસંગે સાસંદ શ્રી પરબતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારને આજે બે મોટી ભેટ મળી છે. જેમાં થરાદ-સીપુ યોજનાના શુભારંભથી કૃષિ સંશોધનને પણ અવકાશ મળશે. તેમણે આ મહત્વકાંક્ષી યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા ડેમની ઉંચાઇ વધારતા આજે રણકાંઠાના છેવાડાના ગામોને પણ સિંચાઇનો લાભ મળી રહ્યો છે. જિલ્લામાં શિક્ષણનો વ્યાપ પણ વધ્યો હોવાનું જણાવતા કહ્યુ હતુ કે, અગાઉ આ વિસ્તારમાં માત્ર ચાર માધ્યમિક શાળાઓ હતી જે વધીને ૩૨ થઇ છે તો વળી આર્ટસ, કોમર્સ અને કૃષિની પણ કોલેજ આ વિસ્તારમાં બની હોવાનું પણ જણાવ્યું હતું.
સરદાર કૃષિ યુનિર્સિટીના કુલપતિ શ્રી આર. કે. પટેલે મહેમાનોને શાબ્દિક આવકાર આપી કૃષિ યુનિવર્સિટીના સમગ્ર કામગીરીની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
લોકાપર્ણ વેળાએ ધારાસભ્ય સર્વ શ્રી શશીકાન્ત પંડ્યા, કિર્તીસિંહ વાઘેલા, આણંદ કૃષિ યુનિર્વસિટીના કુલપતિ શ્રી વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ, હરજીવન પટેલ સહિતના અગ્રણીઓ, કૃષિ તજજ્ઞો, વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.