કૃષ્ણનગરઃ પત્ની સાથે આડા સંબંધની શંકા રાખી પતિએ યુવકને ઢોર માર માર્યાે
અમદાવાદ: પત્ની સાથે આડા સંબંધોની શંકા રાખી પતિએ પોતાનાં સાગરીત સાથે મળીને એક યુવાનને ગાડીમાં લઈ ગયા બાદ તેને ઢોર માર મારવાની ફરીયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
પાર્થ રાજેશભાઈ સોની ભાગ્ય લક્ષ્મી સોસાયટી, કૃષ્ણનગર ખાતે રહે છે અને નવરંગપુરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે સાંજે પાર્થભાઈ પોતાની સોસાયટી આગળ ઊભાં હતા. એ સમયે તેમની જ સોસાયટીમાં રહેતી જ્યોતિકા ઉર્ફે ભોલીનો પતિ દર્શન ચાવડા (ગામ.પઢારીયા તા.ગોખરીયા જી.મહેસાણા)ત્યાં કાર લઈને આવ્યો હતો અને બહાર ફરીને આવીએ તેમ કહીને પાર્થભાઈને કારમાં બેસાડ્યા હતાં. બાદમાં કારમાં ધવલસિંહ રાણા (અસારવા) પણ હોવાનું તેમણે જાણ્યું હતું.
રાત્રે આઠ વાગ્યે ત્રણેય ચિત્રકુટ આવાસ ઔડાનાં મકાનો નજીક પહોંચ્યા ત્યારે દર્શને પાર્થભાઈને પોતાની પત્ની સાથે આડા સંબંધો કેમ રાખે છે તેમ પૂછતાં તેણે પોતે આવું કંઈ કરતાં હોવાનું ઈન્કાર કર્યાે હતો. અને જ્યોતિકાને આ અંગે પૂછવા જણાવ્યું હતું. બાદમાં ત્રણેય જ્યોતિકા પાસે આવ્યા ત્યારે ધવલે દંડા વડે પાછળથી પાર્થભાઈ પર હુમલો કર્યાે હતો. દર્શન તથા ધવલે પાર્થને ઢોર માર મારતાં તે લોહીલુહાણ થયો હતો. અને ત્યાંથી પોતાની જાન બચાવી ઘર તરફ ભાગ્યો હતો. પુત્રની હાલત જાઈ પરીવાર ગભરાયો હતો. બાદમાં પાર્થભાઈને લઈને તમામ પરીવારજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહોંચતાં તેમણે દર્શન તથા ધવલ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.