કૃષ્ણનગરની અંકુર શાળામાં ભીષણ આગ લાગતા ભાગદોડ
અમદાવાદ, અમદાવાદના કૃષ્ણનગરની અંકુર સ્કૂલમાં ભીષણ આગ લાગી છે. આજે એટલે શુક્રવારે સવારે ૧૧ કલાકે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અંકુર શાળામાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં ત્રણ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી હતી ફાયર બ્રિગેડની પાંચ ટીમે ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.
સદનસીબે આ આગમાં હજી જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, હાલ કોરોના મહામારીને કારણે રાજ્યની શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ છે જેના કારણે અહીં મોટી જાનહાની સર્જાતા ટળી છે. આ શાળામાં કલરકામ ચાલી રહ્યું હતું.
જેથી કલર કામ કરતા ત્રણ લોકો આગમાં ફસાયા હતા. જાેકે, ફાયરની ટીમે આ ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કરી લીધું છે અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ પણ મેળવી લેવામાં આવ્યો છે. આ આગ કયા કારણથી લાગી હતી તે અંગે ફાયરવિભાગે જણાવ્યું કે, હજી આ આગ પાછળનું કારણ સામે આવ્યું નથી.
પહેલા આ આગ પર કાબુ મેળવવામાં આવશે તે બાદ તપાસ કરવામાં આવશે કે આ આગ કયા કારણોસર લાગી હતી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, શાળામાં કલરકામ ચાલી રહ્યું હતું ત્યારે જ આ આગ લાગી હતી. શાળામાં કલરકામ કરી રહેલા ત્રણ વ્યક્તિઓ આગને કારણે ફસાયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા છે.
આ આગ લાગી ત્યારે પ્રાથમિક માહિતી મળી હતી કે, ભીષણ આગમાં બાળકો ફસાયા છે. પરંતુ તપાસમાં જાણ થઇ કે, ફસાયેલા વ્યક્તિઓ કલરકામ કરવા આવેલા મજૂર છે. આ ત્રણેવ લોકો ભીષણ આગ લાગતા પોતાનો જીવ બચાવવા માટે ધાબા પર ઉભા હતા. હાલ ફાયરવિભાગ તપાસ કરી રહ્યું છે કે, આ આગ કયા કારણોસર લાગી હતી. આમાં શાળાની બેદરકારી હતી કે શોર્ટસર્કિટ છે તે તો તપાસ બાદ જ સામે આવશે.