કૃષ્ણનગરમાં કલાસીસમાં જવા કહી ઘરેથી નીકળેલો સગીર ગુમ

(પ્રતિનિધિ) અમદાવાદ, કૃષ્ણનગરમાં રહેતો એક બાળક કરાટે કલાસીસમાં જવાનું કહીને નીકળ્યો હતો જાેકે મોડી રાત સુધી પરત ન આવતા માતા પિતા શોધવા નીકળતાં બાળક કલાસમાં ગયો જ ન હોવાનું જાણવા મળ્યું હતું ઘણી તપાસ કરવા છતાં બાળક મળી ન આવતા માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બાળકના ગુમ થવાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદ કરનાર માતા વૈશાલીબેન લાંજેવાર (૩પ) પતિ અને બે સંતાનો સાથે માનસી રો હાઉસ, કૃષ્ણનગર ખાતે રહે છે તેમનો પુત્ર વિશ્વેશ (૧૪ વર્ષ) દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને મનોહરવિલા ચાર રસ્તા નજીક આવેલી એસ.એમ. હિન્દી હાઈસ્કુલમાં કરાટેના કલાસ કરે છે.
શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે વિશ્વેશ કરાટે કલાસમાં જવા નીકળ્યો હતો પરંતુ રાત્રે સાડા આઠ વાગ્યા સુધી પરત ન ફરતા તેમણે કરાટે ટીચરનો સંપર્ક કર્યો હતો જેમણે વિશ્વેશ કલાસમાં આવ્યો જ ન હોવાનું કહેતા માતા પિતા ચોંકી ગયા હતા અને વિશ્વેશની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે ન મળી આવતા છેવટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તેની તપાસ શરૂ કરી છે.