કૃષ્ણનગરમાં બુટલેગરોનો આંતક

પોલીસને બાતમી આપી હોવાની શંકાથી યુવકને માર માર્યોઃ પોલીસ ફરિયાદ કરવા જતાં યુવકને સમાધાન કરવાની સલાહ અપાઈ હોવાનો આક્ષેપ : ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની લીધેલી ગંભીર નોંધ |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસને કડક નિર્દેશો આપવામાં આવેલા છે જેના પગલે વિદેશી દારૂના અડ્ડાઓ પર તથા જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહયા છે પરંતુ શહેરમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ધમધમી રહયા છે અને શહેરમાં કોઈપણ સમયે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના ઘટે તેવી આશંકા સતત સેવાઈ રહી છે.
આ પરિસ્પથિતિ વચ્ચે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં બે બુટલેગરોએ એક યુવાનને માર માર્યો છે એટલુ જ નહી પરંતુ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે આ દિશામાં કોઈ જ કાર્યવાહી નહી કરતાં બુટલેગરોનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે
આ અંગેના સમાચાર ન્યુઝ ચેનલ પર પ્રસારિત થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી યુવકે સ્થાનિક પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવાની માંગણી ઉઠવા પામી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે જેના પગલે વિદેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો પર ગાળ્યો કસાયો છે અને શહેરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા છે પરંતુ શહેરમાં અનેક વિસ્તારોની અંદર ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ધમધમી રહયા છે.|
ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં અડ્ડાઓ ચાલી રહયા છે. લઠ્ઠાકાંડ દેશીદારૂ પીવાના કારણે જ થતો હોય છે પરંતુ શહેરનું પોલીસતંત્ર વિદેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી રહયું છે. એક માત્ર કુબેરનગરમાં જ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવે છે જયારે અન્ય વિસ્તારોમાં કાર્યવાહી નહી કરાતી હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ થઈ રહયો છે થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા આ સમયે ત્યાંથી રૂપેશ મખીચા નામનો યુવક પસાર થઈ રહયો હતો જેના પરિણામે બુટલેગરોને તેના પર શંકા ગઈ હતી રૂપેશે પોલીસને બાતમી આપી હોવાની શંકા રાખી બુટલેગરોએ તેને ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને માર પણ માર્યો હતો.
જેના પગલે ગભરાયેલા રૂપેશે પોલીસની મદદ માંગી હતી અને આ અંગે ફરિયાદ પણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા ગયો હતો. આરોપીઓ મનોજ અને ધર્મેશ નામના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘણા દિવસો થવા છતાં આરોપીઓ વિરૂધ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી બીજીબાજુ આ બંને શખ્સોને જાણ થઈ જતા તેઓએ રૂપેશ મખીચાને ફરી વખત મારમાર્યો હતો અને હુમલો પણ કર્યો હતો જેના પગલે રૂપેશ ખુબજ ગભરાઈ ગયો છે.
બુટલેગરોના આંતકથી રૂપેશ મખીચા સતત ફફડી રહયો છે પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા લાગ્યા છે. બુટલેગરોએ રૂપેશને માર મારતા જ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે એટલું જ નહી પરંતુ આ યુવકને માર મારતો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે બુટલેગરોએ આ યુવકને રીક્ષામાં બેસાડીને પણ માર માર્યો હતો જે વીડિયોમાં જાવા મળી રહયું છે.
બુટલેગરો હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા. થોડા દિવસ પહેલાની આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે આજે સવારે આ વીડિયો એક ન્યુઝ ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવ્યો છે જેમાં બુટલેગરોના આંતકનો ભોગ બનેલ યુવક રૂપેશ મખીચાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. રૂપેશ મખીચાએ આક્ષેપ કર્યો છે કે તે ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે તેને બુટલેગરો સાથે સમાધાન કરી દેવા માટેની સલાહ આપવામાં આવી હતી
આજ સવારથી જ આ સમગ્ર ઘટના ભારે ચર્ચાસ્પદ બની છે બીજીબાજુ ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનાથી ચોંકી ઉઠયા છે. યુવકે બે કોન્સ્ટેબલોના નામો પણ જણાવ્યા છે ત્યારે બીજીબાજુ હવે ઉચ્ચ અધિકારીઓ આ ઘટનામાં તપાસ શરૂ કરે તેવી શકયતા વધી ગઈ છે.
સમગ્ર ઘટનાની તપાસ સત્તાવાર રીતે ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે તેવી લાગણી જાવા મળી રહી છે અને તાત્કાલિક અસરથી બંને બુટલેગરો વિરૂધ્ધ કડક કાર્યવાહી થાય તેવી રજુઆત પણ કરવામાં આવનાર છે. ઘણા દિવસો થવા છતાં બુટલેગરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવતા સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.