Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાં વિદ્યાર્થીઓ વચ્ચેની તકરારમાં વાલી પર હુમલો

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાની ઘટનાઓ વચ્ચે શહેરના કષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે ગઈકાલે નરોડામાં રસ્તા પરથી પાણી ઉડવાની નજીવી બાબતે યુવકની હત્યા કરવાની ઘટનાથી અધિકારીઓ ચોંકી ઉઠયા હતા ત્યાં જ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ટયુશનમાં સાથે ભણતા બાળકો વચ્ચેની તકરારમાં વાલીઓ વચ્ચે મારામારી થતાં કષ્ણનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના ઠક્કરનગરમાં પારસનગર ખાતે રહેતા વાદીબેન નટવરજી ઠાકોરના પતિ હિરા ઘસવાનું કામ કરે છે જયારે સંતાનમાં ત્રણ પુત્રો છે જેમાંથી સૌથી નાનો પુત્ર કમલેશ ૧પ વર્ષનો છે અને તે સી.પી. પટેલ સ્કુલમાં ધો.૯ માં અભ્યાસ કરે છે. બોર્ડની આગળનું વર્ષ હોવાથી તેને નવકાર ટયુશન કલાસીસમાં પણ બેસાડવામાં આવ્યો હતો

જેના પરિણામે કમલેશ સ્કુલેથી આવ્યા બાદ ટયુશન કલાસીસમાં પણ ભણવા જતો હતો. ટયુશન કલાસીસમાં તેની સાથે જ ભણતો એક વિદ્યાર્થી તેને છેલ્લા કેટલાક દિવસથી પરૈશાન કરતો હતો. પ્રારંભમાં કમલેશે પોતાના ભણવા પર ધ્યાન આપ્યું હતું પરંતુ હર્ષ વિજયભાઈ પરમાર નામનો વિદ્યાર્થી સતત તેને ચીડવતો હતો જેના પરિણામે આખરે કમલેશે તેની માતા વાદીબેનને આ અંગેની ફરિયાદ કરી હતી.

પુત્રને પરેશાન કરતા વિદ્યાર્થીની ફરિયાદ કરવા માટે વાદીબેન નવકાર ટયુશન કલાસીસ પર ગયા હતા અને કલાસીસના સાહેબ સમક્ષ સમગ્ર હકીકત જણાવી હતી
જેના પરિણામે કલાસીસના સાહેબે આ અંગેની ફરિયાદ હર્ષ પરમારના પિતા વિજયભાઈ સમક્ષ કરવા જણાવ્યું હતું તેથી વાદીબેન વિજયભાઈનું સરનામુ લઈ તેમના ઘરે પહોચ્યા હતા.

મધુર હોટલ પાસે બજરંગદાસના આશ્રમ પાસે રહેતા વિજયભાઈ મનુભાઈ પરમારના નિવાસસ્થાને વાદીબેન પહોચ્યા હતા અને ત્યાં તેમણે વિજયભાઈના પુત્ર હર્ષ દ્વારા તેમના પુત્ર કમલેશને કરવામાં આવતી પરેશાની અંગે ફરિયાદ કરી હતી. વાદીબેનની ફરિયાદથી વિજયભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને વાદીબેન તથા તેમના પુત્ર કમલેશ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

જેના પરિણામે કમલેશ જમીન પર પછડાયો હતો આ દરમિયાનમાં કમલેશનો મોટો ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યો હતો ઉશ્કેરાયેલા વિજયભાઈ પરમાર તથા તેના પુત્રએ વાદીબેન તથા તેના પુત્રોને ધાકધમકી આપી ત્યાંથી ચાલ્યા જવા કહયુ હતું અને કહયું હતું કે જા આ અંગે ફરી ફરિયાદ કરી છે તો જાનથી મારી નાંખીશું.
બાળકોની લડાઈમાં ફરિયાદ કરવા ગયેલી માતા તથા તેના પુત્ર પર હુમલો કરી હત્યાની ધમકી અપાતા સમગ્ર પરિવાર કષ્ણનગર પોલીસ સ્ટેશને પહોચી ગયો હતો અને ત્યાં વિજયભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.