Western Times News

Gujarati News

કેકેઆર સામે રાજસ્થાન રોયલ્સનો ૩૭ રને પરાજય

દુબઈ: આઈપીએલ ૨૦૨૦ની ૧૨મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાન રૉયલ્સને ૩૭ રનથી હરાવી દીધું. ૧૭૫ રનના સ્કોર સામે રાજસ્થાન બેટ્‌સમેનોના સાવ સાધારણ પ્રદર્શનથી ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૩૭ રન જ બનાવી શક્યું. લીગમાં આ રાજસ્થાનની પ્રથમ હાર છે. પોતાની પ્રથમ બે મેચોમાં ૨૦૦થી વધુના સ્કોર બનાવી જીત મેળવી રાજસ્થાન આજે એક સમયે ૧૦૦ રન પણ નહીં બનાવે તેમ લાગતું હતું. ટૉમ કરનની અર્ધસદી ને કારણે તે હારનું અંતર થોડું ઘટાડી શકી. કોલકાતા તરફથી કમલેશ નાગરકોટી, શિવમ માવી અને વરૂન ચક્રવર્તીએ ૨-૨ વિકેટ્‌સ ઝડપી. ૧૭૫ રનના ટાર્ગેટની સામે રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. બીજી ઓવરના છેલ્લા બોલે કેપ્ટન સ્ટીવ સ્મિથ (૩) આઉટ થયો અને ટીમના રકાસની શરૂઆત થઈ. બાદમાં ગત મેચનો હીરો સંજુ સેમસન (૮), રોબિન ઉથપ્પા (૨) અને રિયાન પરાગ (૧) સસ્તામાં આઉટ થઈ ગયા.

આઠમી ઓવરમાં જ ટીમે ૪૨ રનના સ્કોર પર અડધી ટીમ ગુમાવી દીધી અને જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું. ગત મેચમાં ધમાકેદાર ઈનિંગ રમનારા રાહુલ તેવટિયા (૧૪) પાસેથી વધુ એક આવી જ ઈનિંગની આશા હતી પણ તે શક્ય ન બન્યું. સાતમા ક્રમે બેટિંગમાં આવેલા ટૉમ કરને ૩૬ બોલમાં ૩ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૫૪ રનની ઈનિંગ રમી પણ ત્યાં સુધી જીત રાજસ્થાનના હાથમાં સરકી ચૂકી હતી. ૨૦ ઓવરના અંતે રાજસ્થાન ૯ વિકેટે ૧૩૭ રન જ બનાવી શક્યું હતું. રાજસ્થાન રૉયલ્સે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો ર્નિણય લીધો હતો. કેકેઆરના ઓપનર્સ સુનીલ નારાયણ (૧૫) અને શુભમન ગિલ (૪૭) સારી શરૂઆત કરી હતી.

બંનેએ પ્રથમ વિકેટ માટે ૩૬ રન જોડ્યા. નારાયણના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા નીતિશ રાણા (૨૨)એ ગિલ સાથે મળીને ૪૬ રનની ભાગીદારી નોંધાવી. બંને પિચ જામી ગયા હતા અને મોટો સ્કોર બનાવે તેમ લાગતું હતું ત્યારે જ રાહુલ તેવટિયાએ રાણાની વિકેટ ઝડપી હતી.

ત્યારબાદ તરત જ જોફ્રા આર્ચરે ગિલને આઉટ કરી દીધો હતો. સાત બોલના ગાળામાં બંને સેટ ખેલાડીઓ આઉટ થઈ જતા કેકેઆર પ્રેશરમાં આવી ગયું હતું. ગિલે ૩૪ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૭ રનની મહત્વની ઈનિંગ રમી હતી. બેટિંગ ઓર્ડરમાં ચોથા ક્રમે પ્રમોટ કરાયેલા આન્દ્રે રસેલે ૩ પાવરફુલ છગ્ગા લગાવ્યા પરંતુ મોટો સ્કોર ન બનાવી શક્યો અને ૨૪ રને આઉટ થઈ ગયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.