કેજરીવાલની ૧૬મીએ મુખ્યમંત્રી તરીકે તાજપોશી : તૈયારીઓ શરૂ
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રચંડ જીત સાથે સતત ત્રીજી વખત સત્તામાં આવેલા મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે પૂર્ણ કેબિનેટની સાથે શપથ લેનાર છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ આજે જાહેરાત કરી હતી કે કેજરીવાલને વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ હવે ૧૬મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. તેમની તાજપોશી માટેની તમામ તૈયારી શરૂ પણ થઇ ચુકી છે.
સિસોદિયાએ કહ્યુ હતુ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીને પ્રચંડ બહુમતિ મળી છે. સિસોદિયાએ કેજરીવાલ અને તેમની ટીમ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે કેજરીવાલ ૧૬મી તારીખે શપથ લેશે. તેમની સાથે પૂર્ણ ટીમ પણ શપથ લેશે. સવારે ૧૦ વાગ્યાથી શપથગ્રહણની શરૂઆત થનાર છે. દિલ્હીના લોકોને અપીલ કરવામાં આવી છે કે તમામ લોકો શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રામ લીલા મેદાન ખાતે પહોંચે. અરવિન્દ કેજરીવાલની સાથે મળીને દિલ્હીને નફરતની રાજનીતીમાંથી મુક્તી અપાવવા માટે લોકો પ્રતિજ્ઞા કરે તેવી માંગ કરવામાં આવી છે.